તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:નડિયાદના કંજોડા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પરપ્રાંતિય શખ્સોની અટકાયત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂનો જથ્થો સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 5 લાખ 94 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો

શ્રાવણ માસમાં દારૂ જુગારની બદીઓએ સમગ્ર જિલ્લામાં માઝા મુકી છે. પોલીસ માત્ર ગણ્યાં ગાંઠ્યા કેસો કરવામાં રચી પચેલી છે. દારૂની હેરાફેરીને અટકાવવા પોલીસ કડક વલણ ધરાવે તેવી માંગ ઉઠી છે. ગતરાત્રે નડિયાદના કંજોડા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પરપ્રાંતિય ઈસમોને ઝડપી લેવાયા છે. પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ ગ્રામ્ય પોલીસે ગતરાત્રે કંજોડા પાસેથી પસાર થતી કાર નં. GJ 38 BB 7332ને કોર્ડન કરી અટકાવી હતી. પોલીસે કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક ઈસમનું નામઠામ પૂછતાં તેમણે પોતાના નામ સોહંગસિંહ ઉર્ફે ભાણો મીઠુસિંહ ચૌહાણ અને રમેશસિંહ ઉર્ફે નેના કેસરસિંહ વીરમોત (બન્ને રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું છે. પોલીસને કારમાં દારૂ છુપાવ્યો હોવાની શંકા જતાં તેમણે કારની તલાસી લીધી હતી.

દરમિયાન પાછળની બાજુએથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પંચોને બોલાવી ગણતરી કરતાં કાચની બોટલોમાં 864 ક્વાટર કિંમત રૂપિયા 86 હજાર 400 તથા કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 5 લાખ 94 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડીલીવરી કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ સાંધી છે.

અન્ય સમાચારો પણ છે...