અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગળતેશ્વર પાસેના મહારાજાના નવા મુવાડાની ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી મુસાફરી કરતા બે ઇસમોને દેશી રીવોલ્વર તથા મેગઝિન સાથે પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે સેવાલીયા પોલીસે આ પ્રકરણમાં આ બંને પરપ્રાંતીય ઈસમોના 2 દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનના માણસોએ ગત 11મી એપ્રિલના રોજ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મહારાજાના નવા મુવાડા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસમાંથી દેશી રીવોલ્વર તથા મેગઝિન સાથે વિશાલ બહાદુર કેવટ (રહે.કરમાતપુરા, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ) અને નરેન્દ્ર પરમિયા પવાર (રહે.અભાલી, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ)ને ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણનો રેલો છેક રાજકોટ સુધી પહોંચતા રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ બનાવમાં વધુ એક હથીયાર સાથે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમળીયા ગામે રહેતા જયપાલસિંહ દિગુભા જાડેજાની ધરપકડ કરાઈ હતી. તો બીજી બાજુ ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસે ઝડપેલા ઉપરોક્ત બંને આરોપીને આજે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.