અકસ્માત:ખેડા જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત, બે લોકોના જીવ હોમાયા

નડિયાદ19 દિવસ પહેલા
  • નડિયાદના ડભાણ પાસે મોટરસાયકલની ટક્કરે રાહદારીનું મોત
  • કપડવંજના અંતિસર નજીક હિટ એન્ડ રનના બનાવમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત

ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ બે અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. નડિયાદ અને કપડવંજ ગ્રામ્ય વિસ્તારમાં અક્સમાતની ઘટના બની છે. આ બન્ને બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના ડભાણ ગામ પાસે સોમવારની વહેલી સવારે મોટરસાયકલની ટક્કરે એક રાહદારીનું મોત નીપજ્યું છે. બાઈક ચાલકે હાઈવે ક્રોસ કરી રહેલા 68 વર્ષિય વાઘેલા ફ્રાન્સીસ બીજલભાઈને ટક્કર મારી હતી. આથી ફ્રાન્સીસભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. મરણજનાર પોતે ડભાણ ગામનો રહેવાસી હતો. જે હાઈવે ક્રોસ કરી રહ્યો હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ થતાં તેને પ્રાથમિક સારવાર નડિયાદમાં આપી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પોલીસે આપી છે.

કપડવંજના અંતિસર ગામની સીમમાં કાપડીવાવ જવાના રોડ પર ગતરોજ વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે માજી સરપંચ મફતસિંહ હિંમતસિંહ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી મરણજનારના વાલી વારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...