તુલસી વિવાહ:ડાકોરમાં આજે તુલસી વિવાહની ઉજવણી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરઘોડો સાંજના સમયે લક્ષ્મીજી મંદિર જશે, જ્યા વિવાહની વિધિ થશે

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં તા. ૧૫ મી ના રોજ સોમવારે દેવ ઉઠી અગિયારસ ના દિવસે ભવ્ય તુલસી વિવાહ યોજાશે. દિવ્ય પ્રસંગે મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓનો મહેરામણ ઉમટી પડશે. મંદિરમાં સાંજે ઉત્થાપન આરતી બાદ ઠાકોરજી દુલ્હેરાજા બની સુશોભિત ઘોડા પર બેસીને વાજતે ગાજતે તુલસીજી સાથે પરણવા જશે. ડાકોર મંદિર પરિસર લગ્નગીતો અને જય રણછોડના નાદથી ગુંજી ઉઠશે.

ડાકોર મંદિરમાં બિરાજેલા ભગવાન રણછોડરાયજીને સોમવારે કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી) પર્વ નિમિતે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન થઈ વિશેષ શણગાર કરાશે. સાંજે ઉત્થાપન આરતી થયા બાદ મંદિરમાં બિરાજેલા ભગવાનને દુલ્હેરાજાનો શણગાર કરાશે. સાંજે ભગવાન શ્રી ગોપાલલાલજી મહારાજ સોનાની પાલખીમાં બિરાજશે. ત્યારબાદ દુલ્હેરાજા બનેલા ભગવાન ગોપાલલાલજી મહારાજનો ઘોડા પર વાજતે ગાજતે વરઘોડો નીકળશે.

આ વરઘોડો નગરના નિયત કરાયેલા રૂટ પર થઇને લક્ષ્મીજીના મંદિરે જશે. ત્યારબાદ લક્ષ્મીજીના મંદિરેથી બોડાણા મંદિર થઇને નિજ મંદિરમાં પરત આવશે. ત્યારબાદ નિજમંદિરમાં અલગ અલગ કુંજમાં ભગવાનના તુલસી સાથે વિવાહ થશે. ભૂદેવો દ્વારા વૈદિકમંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ થશે. આ સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. તુલસી વિવાહ બાદ મંદિરમાં ભગવાન શયન તથા સખડીભોગ આરોગવા બિરાજશે.

અન્ય સમાચારો પણ છે...