જલઝીલણી એકાદશીની ઉજવણી:વડતાલમાં પરંપરાગત જલઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ, ભજન મંડળીઓની રમઝટ વચ્ચે શોભાયાત્રા નીકળી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરિભક્તો ભક્તિમાં તરબોળ બન્યા

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે આજે એક દિવસીય જલઝીલણી સામૈયો ખુબજ ધામધૂમથી ઉજવાયો છે. આ પ્રસંગે શોભાયાત્રા પણ નીકળી હતી. હજારોની સંખ્યામાં હરિભક્તો ભક્તીમાં તરબોળ બન્યા છે.

સવારે સાડા અગિયાર વાગ્યે નીજ મંદિરમાં શ્રી હરી તથા મોંઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા ગજાનનની આરતી ઉતારવામાં આવી હતી. આ બાદ મંદિરથી વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરો મારફતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વડતાલ અને આસપાસના 45 ગામોના હરિભક્તોની ભજન મંડળીઓએ ભજનની રમઝટ બોલાવી હતી. આ સાથે સાથે મંદિરમાંથી બેન્ડવાજા, ડીજે તથા ઢોલ નગારા સાથે નીકળેલી આ શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું.

શ્રી હરી અને દૂંદાળા દેવની નીકળેલી આ શોભાયાત્રા વડતાલ સ્થિતિ ગોમતી કિનારે પહોંચી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનું આગવું મહત્વ છે. સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. વડતાલમાં આશરે 192 વર્ષથી જલઝીલણીનો ઉત્સવ ઉજવાતો આવ્યો છે.

ગત વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ મંદિર પુરતો સિમિત રખાયો હતો. ચાલુ વર્ષે સ્થિતિ સારી રહેતા કોવિડના નિયમો સાથે આ ઉત્સવ ઉજવાયો છે. ગોમતી કિનારે પહોંચેલી શોભાયાત્રામાં ત્યાં શ્રીજી અને ગણપતિજીનું સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોરજી તથા ગણેશજીને શણગારેલી હોડીમાં બેસાડી નૌકાવિહાર કરાવવામાં આવ્યું હતું. અને સંતો, પાર્ષદો તેમજ હરિભક્તો દ્રારા આરતી ઉતારવામાં આવી હતી. નૌકાવિહાર વેળાએ 15 મણ કાકડીનો પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ધાર્મિક ઉત્સવમાં યજમાન પ્રદિપ રતિલાલ પટેલ (નૈરોબી) વડતાલવાળાના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. સાથે સાથે અનેક હરિભક્તો હાજર રહી આ પર્વની ઉજવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...