ખેલૈયાનું બજેટ ઘટ્યું:નડિયાદમાં કોમર્શિયલ ગરબા બંધ રહેતા ટ્રેડીશનલ ડ્રેસના માર્કેટમાં કડાકો ,70થી 80 ટકા વેચાણ ઘટ્યું

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીને આડે માત્ર 2 દિવસ બાકી છે, છતાં નડિયાદમાં ચણિયાચોળીનું બજારમાં જોઈએ તેવી ઘરાકી નથી. વેપારીઓ માટે સતત બીજુ વર્ષ નિષ્ફળ નિવડ્યું છે. - Divya Bhaskar
નવરાત્રીને આડે માત્ર 2 દિવસ બાકી છે, છતાં નડિયાદમાં ચણિયાચોળીનું બજારમાં જોઈએ તેવી ઘરાકી નથી. વેપારીઓ માટે સતત બીજુ વર્ષ નિષ્ફળ નિવડ્યું છે.
  • વર્ષ 2020માં કોરોનાના કારણે નવરાત્રોત્સવ સદંતર બંધ હતો, આ વર્ષે ઉજવણી પર નિયંત્રણથી સતત બીજુ વર્ષ બગડ્યું
  • કપડા​​​​​​​ બજારોમાં કોરોના ઈફેક્ટ

કોરોનાના બે તબક્કા પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી બજાર અને અર્થતંત્ર બેઠુ થયુ નથી. તેનુ ઉદાહરણ ચણિયાચોળીના બજાર પર દેખાઈ રહી છે. બે વર્ષ અગાઉ નવરાત્રના આગલા પાંચેક દિવસ સુધી બજારમાં ચણિયાચોળીની ખરીદી માટે ભીડ જામતી હતી. ત્યારે નવરાત્રના આડે બે જ દિવસ બાકી હોવા છતાં હજુ સુધી નોંધપાત્ર પણ વેચાણ થયુ નથી. આ પરિસ્થિતિના કારણે ચણિયા ચોળીના વેપારીઓને સતત બીજી સિઝનમાં વેપારીઓની સ્થિતિ કફોળી બની છે.

નવલી નવરાત્રીના આડે ગણતરીના કલાકો બાકી છે. આ વર્ષે સરકાર દ્વારા માત્ર શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે. કોમર્સિયલ ગરબા આ સતત બીજા વર્ષે બંધ રહેવાના છે. જેના કારણે નવરાત્રી સાથે સંકળાયેલા અનેક રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. શહેરોમાં પાર્ટી પ્લોટ અને મોટા મેદાનોમાં થતા કોમર્સિયલ ગરબા બંધ રહેતા જ્યાં ખૈલયાઓ નિરાશ થયા છે, ત્યાં બીજીતરફ ચણિયાચોળીના વેપારીઓ માટે તો કપરા દિવસ આ‌વી ગયા છે.

કારણ કે, ગયા વર્ષે કોરોના મહામારીના કારણે બિલકુલ વેચાણ થયુ ન હતુ. જેની સરખામણીએ આ વર્ષે વેચાણ તો થઈ રહ્યુ છે, પરંતુ બજારો બિલકુલ નિરસ જોવા મળી રહ્યા છે. કોરોનાકાળ પહેલા નોરતાના સમયે બજારોમાં જે ભીડ અને ઘરાકી જોવા મળતી હતી, તે ઘરાકી હાલ ગાયબ છે. વેપારીઓના મતે ચણિયાચોળીના વેચાણમાં 70થી80 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે બજારમાં ઘેરવાળી, કેડીયા અને ગામઠી સ્ટાઈલની ચણિયાચોળ‌ી છે. હજુ નવરાત્રને 2 દિવસ બાકી છે, ત્યારે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે તેવી અપેક્ષા વેપારીઓ સેવી રહ્યા છે.

અગાઉની સરખામણીએ અત્યારે 25 ટકા પણ ટર્ન ઓવર નથી
ગરબા જ નથી યોજાવાના, તો ઘરાકી પર અસર તો પડે. અગાઉ કરતા ચાલુ વર્ષે ટર્ન ઓવર ખાસ્સુ ઘટી ગયુ છે. અગાઉની સરખામણીએ અત્યારે તો 25 ટકા પણ ટર્ન ઓવર નથી. પહેલા લોકો ત્રણ ચણિયા ચોળી સાથે લઈ જતા હતા, હવે એક લઈ જવામાં પણ બજેટ સેટ કરે છે. > રાજેન્દ્રકુમાર પટેલ, વેપારી

દિવસની માત્ર 6થી 7 નંગનું જ વેચાણ થાય છે, ગ્રાહકોનું બજેટ ઘટ્યુ છે
બે વર્ષ પહેલા દિવસની 40થી 50 ચણિયાચોળી વેચાતી હતી. અત્યારે દિવસની માત્ર 6થી 7 નંગનું જ વેચાણ થાય છે. પહેલા ગ્રાહકો 4થી 5 હજારની ચણિયાચોળી લઈ જતા હતા. આ વખતે 1000થી 1500નું બજેટ લઈને આવે છે. એટલે ગ્રાહકોનું બજેટ પણ ઘટ્યુ છે. > અશ્વિનભાઈ દલવાડી, વેપારી

2020માં કોરોનાના કારણે પડી રહેલો જૂનો માલ પણ ન વેચાતા વેપારી વર્ગમાં ચિંતા
ગયા વર્ષે કોરોનાના કારણે ગરબા બંધ રહેતા ચણિયા ચોળીનું વેચાણ જ ન હોતું થયું. પરીણામે જૂનો માલ હજુ પણ પડી રહ્યો છે. આમ તો બે વર્ષ પહેલા નવરાત્રી યોજાઈ હતી, જેથી છેલ્લા બે વર્ષમાં બનાવાયેલો અને ખરીદેલો માલ પડી રહ્યો છે. જૂનો માલ પણ હજુ સુધી વેચી શક્યા નથી. પહેલા કરતા માત્ર 20 થી 30 ટકા ખરીદી છે. > ભાર્ગવભાઈ પંજાબી, વેપારી

કોરોનાના કારણે માઠી અસર પડી, પહેલા તો જમવાનો પણ સમય નહોતો રહેતો
સતત બીજા વર્ષે કોરોનાના કારણે ધંધા પર માઠી અસર પડી છે. કોરોનાકાળ પહેલાના નવરાત્રીમાં જમવાનો પણ સમય નહોતો રહેતો. રાત્રે દુકાનમાં 11 વાગી જાય એટલી ઘરાકી રહેતી હતી. પરંતું આ વર્ષે ઘરાકી સાવ ઘટી ગઈ છે, દિવસ દરમિયાન ગ્રાહકોની રાહ જોવી પડે છે. > જગદીશભાઈ, વેપારી

વિદેશમાં બાળકોની મોકલવાની છે
ત્રણ વર્ષે આજે ચણિયાચોળી લેવા નીકળી છુ. મારા પૌત્ર અને પૌત્રી વિદેશ રહે છે અને તેમની માટે મોકલવાના હોવાથી ખરીદી કરવા નીકળી છુ. કોરોનાકાળ પહેલા નવરાત્રીના આગલા દિવસોમાં બજારમાંથી પસાર થવુ મુશ્કેલ પડતુ હતુ, અત્યારે તો આખુ બજાર ખાલી દેખાઈ રહ્યુ છે. > રેણુકાબેન અમીન, ગ્રાહક

અન્ય સમાચારો પણ છે...