ગણેશ ઉત્સવમાં નવો ટ્રેન્ડ:પર્યાવરણની જાળવણી માટે એક નવા યુગ તરફ કદમ, નડિયાદમાં મોટાભાગે બાપ્પાનું વિસર્જન ઘરે જ કરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા ખર્ચાઓ થતાં અટક્યાં હોવાનું ગણેશ ભક્તોએ માન્યું
  • કોરોના કાળમાં ઓક્સિજનની અછતને લઈ લોકો પર્યાવરણનું જતન કરવા લાગ્યાં

કોરોનાના કારણે લોકોના જીવન ધોરણની સાથે સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી પણ મહદઅંશે બદલાઈ છે. સ્વયંભૂ પર્યાવરણની જાળવણી માટે લોકો હવે નવા ટ્રેન્ડ તરફ વળી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં દોઢ, બે, ત્રણ કે 5 દિવસ માટે આસ્થા સાથે સ્થાપેલી ગણપતિની મૂર્તિનું આ વખતે મોટેભાગે ઘેર-ઘેર વિસર્જન કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખેડા જિલ્લામાં આ ગણેશ મહોત્સવમાં આ પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

સાદગાઈથી ઘેર ઘેર દૂંદાળા દેવને પૂજા કરવામાં આવી રહી છે.
સાદગાઈથી ઘેર ઘેર દૂંદાળા દેવને પૂજા કરવામાં આવી રહી છે.

ભક્તો દ્વારા ઘેર- ઘેર નાના કદની મૂર્તિનું સ્થાપન કર્યું
કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવની સંખ્યામાં મહદઅંશે ઘટાડો આવ્યો છે અને શ્રદ્ધાળુઓની ભીડ પણ દર્શનાર્થે ઘટી હોવાનું આયોજકો જણાવી રહ્યા છે. નડિયાદ શહેરમાં મોટાભાગના યુવક મંડળોએ આ વખતે ગણેશ ઉત્સવ ઉજવ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને પોળ વિસ્તારમાં આ વખતે અને ગયા વર્ષે પણ આ ઉત્સવ ઉજવ્યો ન હોવાનું આયોજકો કહી રહ્યા છે. આ ઉપરાંત આ વખતે ભક્તો દ્વારા ઘેર- ઘેર નાના કદની મૂર્તિનું સ્થાપન કર્યું છે તે પણ માટીની મૂર્તિ લાવ્યાં છે.

લોકો પર્યાવરણની જાળવણી તરફ વળ્યા
આ વર્ષે સરકારે 4 ફુટની ઉંચાઈ વાળી જ કે તેથી નાની જ મૂર્તિ સ્થાપી શકશો તેવું ફરમાન કરતાં નવો ટ્રેન્ડ અને તેમાંય ખાસ કરીને આ વખતે કોરોનાની બીજી ઘાતક લહેરમાં લોકોને ઓક્સિજન માટે પડેલી મુશ્કેલીઓને જોતા નવા ટ્રેન્ડ તરફ લોકોએ ડગ માંડ્યો છે. ઘેર-ઘેર બીરાજેલા ગણપતિનું વિસર્જન આસ્થા અને શ્રદ્ધા સાથે ઘરે જ કર્યુ છે. બે વર્ષ પહેલા દેખાદેખીમાં આપણે સૌ મોટા કદની મૂર્તિનું સ્થાપન કરી નદી, તળાવો કે નહેરોમાં જતાં હતા અને ભારે ભરખમ ખર્ચો પણ કરી દેતાં હતા. જોકે આ વખતે થોડા ઘણાં અંશે તમામ બાબતો પર બ્રેક લાગી લોકો પર્યાવરણની જાળવણી તરફ વળ્યા હોવાનો ચિતાર સામે આવી રહ્યો છે. જેથી કહી શકાય કે, આવનારી પેઢીએ નવો ચીલો પાડી પર્યાવરણની રક્ષા કરવા કદમ માંડ્યો છે.

નડિયાદમાં વિસર્જન ટાણે લોકલ પોલીસનો બંદોબસ્ત રહેશે
નડિયાદમાં પશ્ચિમના લોકો પીજ રોડ પરની કેનાલમાં અને પૂર્વના લોકો કોલેજ રોડ પરની કેનાલ પર વિસર્જન કરાશે તેવું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. આ માટે લોકલ પોલીસનો બંદોબસ્ત પણ રહેશે. અગાઉ નક્કી કરેલા મુજબ કોવિડના નિયમોનું ચૂસ્ત પણે પાલન કરવા માટે શોભાયાત્રામાં 15થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહી. જોકે આ નિયમ પાલન કરવામાં પોલીસ અને તંત્ર કેટલા અંશે સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...