આજે 18મી એપ્રિલ એટલે કે વિશ્વ વારસા દિવસ. દેશમાં જળવાયેલો પ્રાચીન વારસો આવનારી પેઢીને નવી દિશા તરફ લઇ જાય છે. ભૂતકાળમાં શું બન્યું હતું તે અંગેની જાણકારી આપે છે. વર્તમાન સ્થિતિમાં આ પ્રાચીન વારસાઓ જર્જરિત અવસ્થામાં ઉભા છે. જો ખમીરવંતા ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં વાવ, કુવા, ગરમ-ઠંડા પાણીના કુંડ, મુઘલ સામ્રાજ્યના કેટલાક સ્થળો, બ્રિટિશ શાસનના કેટલાક સ્થળો આવેલા છે. નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, કઠલાલ, ખેડા, માતર વગેરે તાલુકા મથકોએ આવા પૌરાણિક અને અતિપ્રાચીન સ્થળો આવેલા છે.
નડિયાદની નવ વાવ પૈકી અમૂક વાવ નામશેષ
નડિયાદની વાત કરીએ તો નડિયાદની નવ વાવ પૈકી અમૂક વાવ નામશેષ થઇ ગઈ છે. જે પૈકીની એક વાવ વણઝારી વાવ છે. આ વાવ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે. આઈ.જી. માર્ગ ઉપર આવેલ તલાવડી પાસે આ વાવ બંધાયેલી છે. આ વાવને જોવી પણ એક લ્હાવો છે. જો કે તંત્રના વાકે આ વાવ ખુબજ જર્જરિત હાલતમાં છે.
મામા જાટની દોરી શૂરવીરતાની ગાથા ગાતી ઉભી છે
7મી સદીમાં પંચાસરના મહારાજા જય શીખરીનું ધડ યુદ્ધમાં લડ્યું હતું. આવું જ એક ધડ વીરતાથી લડીને નડીઆદના ઇતિહાસમાં વીર ગાથા રચી ગયું છે. મરાઠાઓ અને મુસલમાનો વચ્ચે જ્યારે અવારનવાર યુદ્ધો થતા હતા. ત્યારની આ વાત છે. નડીઆદના વીર સિપાઇ મામા જાટનું મસ્તક મુસ્લિમો સામે લડતાં લડતાં કપાયું હતું. છતાં લાંબા સમય સુધી તેમનું ધડ ઝનૂનપૂર્વક રણભૂમિ ઉપર લડ્યુ હતું. તેમની વીર ગાથાની યાદ આપતી મામા જાટની દોરી આજે પણ નડીઆદની ઉત્તરે ઊભી છે. કપડવંજ રોડ ઉપરથી મંજીપુરાના રસ્તે ઉતરતાં જ ડાબા હાથે આ દેરી નજરે પડે છે.
ભમ્મરીયો કુવો તેનો ભવ્ય ભૂતકાળ લઈને ઉભો છે
વાત કરવામાં આવે મહેમદાવાદ શહેરની તો ખેડા રોડ પર આવેલો ભમ્મરીયો કુવો તથા આ તાલુકાના સોજાલી ગામ પાસે આવેલી રોજા-રોજીની દરગાહ, નદી પાસે આવેલ ચાંદા સુરજનો મહેલ તેમજ વિવિધ દરવાજાઓ ભવ્ય ઇતિહાસની ઝાંખી પૂરે છે. દરવાજાઓમાં નડીયાદી દરવાજો, ખાત્રજ દરવાજો, વિરલ દરવાજો અને કચેરી દરવાજા જેવી ઐતિહાસિક ધરોહર આવેલી છે. સોજાલી ગામે વાત્રક નદી કાંઠે આવેલ રોજા-રોજી દરગાહની ખાસિયત એવી છે કે તે તેના સ્ટ્રક્ચર ઉપર જાણીતી છે. આ સ્થળ આસ્થાનું કેન્દ્ર પણ છે.આ દરગાહ કેટલા સ્તંભ ઉપર બની છે તે જાણવા ભલભલા ગણિતશાસ્ત્રીઓ ગોથે ચઢે છે, પણ કોઈ સાચી ગણતરી કરી શકતું નથી.
કપડવંજમાં ખંડ વાવ, 32 કોઠાની વાવ, સિદ્ધિ વાવ આવેલી છે
આ ઉપરાંત કપડવંજમાં ખંડ વાવ, 32 કોઠાની વાવ, સિદ્ધિ વાવ આવેલી છે. આ વાવની પણ દયનિય હાલત છે. આ સિવાય લસૂન્દ્રામાં ગરમ ઠંડા પાણીના કુંડ આવેલા છે. જિલ્લામાં આવા પ્રાચીન સ્થાપત્યોની જાળવણના અભાવે દુર્દશા છે. સરકાર દ્વારા જાળવણી માટે લાખોની ગ્રાન્ટ ફાળવાઇ છે તેમ છતાં પણ કામ માત્ર કાગળ પર થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ ને આમ ચાલશે તો આવનાર દિવસોમાં આ પ્રાચીન સ્થાપત્યો આવનાર પેઢીને ફોટોગ્રાફ્સમાં જ જોઈને સંતોષ માનવો પડશે એમ જિલ્લાવાસીઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.