ડાકોર મંદિરનો વિવાદ ચરમસીમાએ:રણછોડરાય મંદિરે પૂજા કરવા મહિલાઓ પહોંચી, તાળા મારી દઈ પ્રવેશ કરતા અટકાવાઈ, ચાર કલાક માથાકૂટ ચાલી, મહિલાઓ મક્કમ

નડિયાદ15 દિવસ પહેલા
  • મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી
  • બન્ને મહિલાએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા-પૂજા કરશે એવી જાહેરાત કરતાં મામલો ગરમાયો

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની સેવાનો બે બહેને મંદિરમાં પૂજાનો અધિકાર માગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા-પૂજા કરવાનો અધિકાર છે, એવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો છે.

ડાકોરમાં રણછોડરાયની સેવાને લઈને વારસદાર બહેનો દ્વારા માગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી. આ વચ્ચે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની ડાકોરની બન્ને મહિલાએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા-પૂજા કરશે એવી જાહેરાત કરતાં મામલો ગરમાયો છે. આ મામલો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માગ કરાઈ છે.

મહિલાઓએ પૂજા કરવા માટે સુરક્ષાની માગ કરી
આ બંને મહિલા દ્વારા જાતે જ સેવા-પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત બંને મહિલાએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માગ કરી છે. તેમના પર આ સમયે હુમલો થવાની શક્યતાને લઈ સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માગણી કરી છે. બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનું જણાવ્યું છે, જેને કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

વંશ પરંપરા મુજબ પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએઃ ઈન્દિરાબેન
સેવા કરવા આવેલી બંને મહિલાએ જણાવ્યું હતું કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતાં વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.

2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો
વધુમાં ઈન્દિરાબેને કહ્યું હતું કે અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો, જેમાં વર્ષ 2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા અનુસાર બીજી અને ત્રીજી ઓક્ટોબરે મંદિરમાં સેવાપૂજાનો અધિકાર છે. તો મંદિરે પણ અમને પત્ર મોકલીને પરિવારના પ્રતિનિધિને મળવા બોલાવ્યા છે.

પૂજા પહેલાં અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે
મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવા-પૂજા કરી શકે છે. પૂજા પહેલાં અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે. ડાકોરના ઈતિહાસમાં અત્યારસુધીમાં કોઈ મહિલાએ ક્યારેય મંદિરમાં પૂજા કરી નથી.

અન્ય સમાચારો પણ છે...