ફુટપાથ કે પાર્કીંગ સ્ટેન્ડ?:નડિયાદમાં દાંડી માર્ગ પર લાખોના ખર્ચે બનેલા ફુટપાથ પર વાહનોનો અડીંગો, રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબુર

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એટલી હદે પાર્કિંગ વધતાં રોડ પર ફોર વ્હીલર વાહન મુકવામાં આવતાં છાશવારે ચક્કાજામ
  • શહેરના મહાગુજરાતથી વાણીયાવડ અને આગળ ઉત્તરસંડા રોડ પરનો પ્રશ્ન

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાંથી દાંડી માર્ગ પસાર થાય છે. આ મહત્વના માર્ગ પર તાજેતરમાં એટલે કે એકાદ વર્ષ અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે ફુટપાથ તૈયાર કરવામાં આવ્યો છે. ખરેખર ફુટપાથ એટલે કે રાહદારીને ચાલવા માટેનો રસ્તો પરંતુ આ પગદંડી રસ્તો નડિયાદમાં વાહન ચાલકોએ પાર્કીંગનો અખાડો બનાવી દીધો છે. જેના કારણે રાહદારીઓ ખાસ કરીને સ્કૂલ કોલેજ આવતા જતાં વિદ્યાર્થીઓને રોડ પર ચાલવાની નોબત આવી છે.

નડિયાદમાંથી દાંડી માર્ગ પસાર થાય છે. શહેરના પોશ વિસ્તારમાંથી થઈને સંતરામ રોડ અને આગળ મીશન રોડ તરફ જોડતા આ પથ પર 2 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે ફુટપાથ તૈયાર કરવામાં આવ્યો છે. જે ફુટપાથ આજે વાહનોના પાર્કિંગ સ્ટેન્ડમાં ફેરવાઈ ગયો છે. જ્યારે મોટાભાગે નાના લારીઓ વાળા અને ગલ્લા વાળા તથા પાથરણાં વાળાએ આ ફુટપાથ પર કબ્જો જમાવી દીધો છે.

ફુટપાથનો મીનીંગ બદલાયો

ખાસ કરીને મહાગુજરાત સર્કલથી વાણીયાવડ અને આગળ ઉત્તરસંડા રોડ પરનો આ પ્રશ્ન પેચીદો બન્યો છે. અહીંયા તૈયાર થયેલ લાખોના ખર્ચે બનેલા ફુટપાથ પર આસપાસના વ્યસાયકારોએ પાર્કીંગનો અડીંગો સમજી ફુટપાથ પર જ ખાનગી વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધું છે. કાર, મોટર સાઇકલ સહિત નાના મોટા વાહનોને ફુટપાથ પરજ પાર્ક કરવામાં આવતાં ફુટપાથનો મીનીંગ બદલાયો છે. વાસ્તવમાં ફુટપાથ એટલે રાહદારીને ચાલવા માટેનો રસ્તો કહેવાય છે પરંતુ અહીંયા વાહનો પાર્ક કરાતાં રાહદારીઓ રોડ પર ચાલવા મજબુર બન્યા છે.

સ્કૂલ-કોલેજ વિસ્તારમાં જ આ સ્થિતિ

આ વિસ્તારમાં અનેક સ્કૂલ, કોલેજો આવેલી છે. જેથી અહીંયા વિદ્યાર્થીઓની ભારે ચહલપહલ હોય છે. વળી આ ફુટપાથ પર પાર્કીંગ એટલી હદે વધી જાય છે કે મોટાભાગના વ્હીકલોને બહાર રોડ પર ઉભા રાખવા પડે છે. જેથી આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉભો થયો છે.

કોલેજથી ડભાણ સુધી બનેલા દાંડી માર્ગનું ધોવાણ થતાં થીંગડા મારવા પડે તેવી નોબત આવી

બીજા તબક્કામાં કોલેજથી ડભાણ સુધી બે વર્ષ અગાઉ જ રસ્તાનું રીનોવેશન થયું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડ પર અમૂક જગ્યાએ વરસાદના કારણે રોડ ધોવાયો હોય તેમ ડામરના પડ ઉખડી ગયા છે. જેથી આવનાર દિવસોમાં આ રોડ પર ડામરના થીંગડા મારવા પડે તેવી નોબત આવી છે.

ફુટપાથ અને રોડ વચ્ચેના ડિવાઈડરનો અભાવ

આ દાંડી માર્ગ પર યોગીનગર ફાટકથી ડભાણ ચોકડી સુધી ન કોઈ ફુટપાથ છે કે ન રોડ વચ્ચે ડિવાઇડર જેથી રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર જીલ્લાની મુખ્ય કચેરી સહિત નાની મોટી સરકારી, અર્ધસરકારી કચેરીઓ આવેલી છે. જેથી અહીંયા અવારજવર વધુ રહે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા માસ અગાઉ દાંડીના પ્રતિક યાત્રા રૂપે કરોડો રૂપિયાનું એંધાણ વેર્યુ પરંતુ બે વર્ષ પહેલા બનેલા રોડની ગુણવત્તા કે ચકાસણી કરવામાં ન આવતાં ઠેકઠેકાણે આ પથ પર ભ્રષ્ટાચારના પોપડા આંખે ઉડીને વળગી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.