કાર્તકી સમૈયાનો ત્રીજો દિવસ:તીર્થધામ વડતાલમાં આચાર્યરાકેશપ્રસાદ મહારાજના હસ્તે 49 પાર્ષદોને સંત દીક્ષા આપાઈ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ગ્રેજ્યુએટ, 1 માસ્ટર ડીગ્રી, 2 CA તથા 1 MBBS એન.આર.આઈ. સહિત 49 પાર્ષદોને સંત દીક્ષા આપાઈ
  • મંદિરમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે હાટડી દર્શન​​​​​​​

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ દિવ્યતાથી દિવ્ય ઉજવાઈ રહેલા કાર્તકી સમૈયાના ત્રીજા દિવસે સોમવારે પ્રબોધિની એકાદશી પર્વ પ્રસંગે ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે 1 NRI સહીત 49 પાર્ષદોએ ભાગવતી (સંત) દીક્ષા ગ્રહણ કરીને સમાજ કલ્યાણ અને ધર્મનો પ્રચાર કરીને સંપ્રદાયનો ડંકો વગાડશે. આ નવનિયુક્ત દીક્ષાર્થીઓને આચાર્ય મહારાજ તથા સંપ્રદાયના વડીલ સંતોએ શુભઆશીર્વાદ આપ્યા હતા. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજેલા લક્ષ્મીનારાયણદેવ સહીત આદી દેવો સન્મુખ હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લઈને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં મુખ્યકોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં કાર્તકી સમૈયો ધામધૂમથી ઉજવાય રહ્યો છે. કાર્તકી સમૈયાનાં પ્રબોધિની એકાદશીનાં પર્વ પ્રસંગે સવારે 7 કલાકે ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય મહારાજે 2 બ્રહ્મચારી તથા 47 પાર્ષદો મળી કુલ 49 મુમુક્ષોને કંઠી પહેરાવીને ગુરૂમંત્ર આપીને સંત દીક્ષા આપી છે. જેમાં વડતાલનાં 18, જુનાગઢના 27 અને ગઢડાના 4નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત સંતો તથા હરિભક્તોએ સ્વામિનારાયણ મહામંત્રનો જયઘોષ કરીને નવયુક્ત દીક્ષાર્થી સંતોને વધાવ્યાં હતાં. ત્યારબાદ નવદિક્ષાર્થી સંતો મંદિરમાં લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરીને મંદિરનાં પટાંગણમાં વિશાળ સભામંડપમાં પધાર્યા હતા. ત્યારે આ નવદિક્ષાર્થીઓનું આગમન થતાં સભામંડપમાં ઉપસ્થિત સહુ હરિભક્તોએ ઉભા થઈને સ્વામિનારાયણનાં ગગનભેદી નાદ સાથે વધાવ્યાં હતાં. આચાર્ય મહારાજ તથા વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા ઈશ્વરચરણ સ્વામીએ નવયુક્ત દિક્ષાર્થીઓને પુષ્પમાળા પહેરાવીને દીક્ષાર્થીઓએ પણ આશીર્વાદ લીધા હતા.

આ ઉપરાંત નવદીક્ષીત સંતોએ સભામંડપમાં પોતાની આગવી શૈલીમાં સત્સંગ પ્રવચન કરીને સહુને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત મંદિરનાં ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાનાં પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામી, જ્ઞાનજીવન સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી તથા બાલકૃષ્ણ સ્વામી તથા દીક્ષાર્થી સંતોનાં ગુરૂ સહીત સંપ્રદાયનાં વડીલ સંતોએ આશીર્વચન પાઠવ્યાં હતાં.

આચાર્ય મહારાજ આરૂઢ થયા બાદ સંપ્રદાયમાં 768 સંતોએ દીક્ષા લીધી

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ગાદીપર આરૂઢ થયાં બાદ સંપ્રદાયમાં કુલ 768 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં વડતાલનાં 396, જૂનાગઢના 322, ગઢડાના 44 અને ધોલેરાનાં 6 સંતોએ ભાગવતી દીક્ષા લઈને ધર્મનો પ્રચાર તથા અનેક લોકોને નિવ્યસની બનાવીને સંપ્રદાયને આગળ વધાવી રહ્યાં છે.

અમેરીકામાં મેડીકલ અભ્યાસ, અને 50 હજાર ડોલર સ્કોલરશીપ છોડીને યુવાને સંત દીક્ષા ગ્રહણ કરી

મૂળ વસો અને અમેરીકામાં સ્થિત થયેલ નીલકુમાર ભરતભાઈ ઘનશ્યામભાઈ ઠક્કરે મેડીકલમાં અભ્યાસ અને 50 હજાર ડોલરની સ્કોલરશીપ મેળવેલી હતી. નીલનો જન્મ અમેરીકા ઓહાયોમાં થયો હતો. ત્યાની સીટીજન શીપ પણ ધરાવે છે. નીલ નાનપણથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો હતો અને અમેરીકામાં આવતા સંતો સાથે સત્સંગ સભાનો પણ લાભ લેતો હતો. 4 વર્ષ પહેલા ગૃહ ત્યાગ કરીને સરધાર નિત્યસ્વરૂપ સ્વામીનાં સંપર્કમાં આવીને કથાવાર્તા સાંભળીને ખુબ જ પ્રભાવિત થઈ ગયા હતાં અને ગુરૂ નિત્યસ્વરૂપ સ્વામીના આસરે આવ્યા હતા.

સ્વામીનો રાજીપો અને પરિવારજનોની મંજુરી આપ્યાં બાદ પાર્ષદ નીલભગતે સોમવારે આચાર્ય મહારાજનાં હસ્તે ભગવી ચુંદડી ધારણ કરીને સંત બન્યાં હતા. સંત દીક્ષા સમારંભમાં નીલભગતનાં પિતા ભરતભાઈ તથા માતા પ્રિતીબેન સહીત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. નવદિક્ષીત સંતે સભામંડપમાં અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, ગુજરાતીમાં સત્સંગ પ્રવચન કરીને સહુને પ્રભાવીત કરી દીધા હતા. આ સંપૂર્ણ વ્યવસ્થા પૂ.મુનિવલ્લભ સ્વામી તથા પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.

32 મહિલાઓએ સાંખ્યયોગી દીક્ષા ગ્રહણ કરી

ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા પ્રમાણે મહિલાઓને દીક્ષા આચાર્યના ધર્મપત્નિ (ગાદીવાળા) આપે છે. આજે પ્રબોધીની એકાદશીએ 32 મહિલાઓને ભાગવતી દીક્ષા આપી હતી. જેમાં 4 ગ્રેજ્યુએટ, 2 માસ્ટર ડીગ્રી મહીલાઓનો સમાવેશ.

અન્ય સમાચારો પણ છે...