ખેડા અને આણંદ જિલ્લામાં ક્રાઈમ સતત વધી રહ્યો છે. આણંદમા અપહત્યા, હત્યા તો ખેડા જિલ્લામાં લૂંટના બનાવે ચકચાર જગાડી છે. મહેમદાવાદના વરસોલા નજીક બાઇક પર આવેલા ત્રણ લોકોએ એક નાણાં ભરેલી બેગને આચકી લૂંટ કરી ફરાર થયા હતા. જેમાં આ લૂંટ આચરનાર ત્રીપુટી પૈકી એક ઈસમ પકડાઈ જતા સ્થાનિકોએ આ વ્યક્તિને બરાબર મેથીપાક ચખાડ્યો છે અને એ બાદ મહેમદાવાદ પોલીસના હવાલે કર્યો છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ જવા પામી છે જેના આધારે પોલીસે લૂંટના ફરાર થયેલા આરોપીઓને શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
મહેમદાવાદ તાલુકાના દેવકીવણસોલ ગામે રહેતા કિરીટસિંહ તખતસિંહ ચૌહાણના કાકાની ચોકડી ઉપર દુકાન આવેલી છે ગઇકાલે તેઓ બાઇક નંબર (GJ-07-CH-3512) લઈ કાકાની દુકાને ગયા હતા.
વરસોલા ચોકડી ઉપર આવેલ પ્રભાત ટ્રેડર્સમાં ગયેલ અને કાકાના દિકરા જવાનસિંહને માલસામાન ગોઠવવામાં મદદ કરી હતી અને ત્યારબાદ આશરે સાડા આઠેક વાગે દુકાન બંધ કરી એક વીમલના થેલામાં વીમલનું પેકેટ તથા બિસ્કીટ વિગેરે હતા. તે થેલો હુકમાં ભરાવેલ અને દુકાનના વકરાના રૂપિયા એક કાળી બેગમાં મુકેલ હતા. જે આશરે એકાદ લાખ રૂપિયા હતા જે બેગ કિરીટસિંહએ ખભાથી આગળના ભાગે ભરાયેલ હતી અને બાઇક જવાનસિંહ ચલાવતા હતા.
વરસોલા મેક્સ કંપની આગળ આવતા લઘુ શંકા માટે આ બન્ને યુવકોએ બાઇત ઊભુ રાખ્યું હતું. તે વખતે પાછળથી એક પલ્સર બાઇક ઉપર ત્રણ માણસો આવ્યા હતા અને બાઇક પાસે પલ્સર બાઇક ઉભું રાખેલું અને બે માણસો બાઇક પરથી નીચે ઉતરીને કિરીટસિંહ તેમજ જુવાનસિંહની આંખમાં કંઈક નાંખી દીધેલ જેથી આંખોમાં લાય બળવા લાગી હતી. લૂંટારુ ઝપાઝપી કરવા લાગેલા હતા.
આ દરમિયાન કિરીટસિંહ પાસેની બેગ ઝુટવી લેવાની કોશીષ કરવા લાગ્યા હતા. કિરીટસિંહએ આ પલ્સર બાઇકને ધક્કો મારી રોડ ઉપર પાડી દીધી હતી. આમ છતા પણ રૂપિયા ભરેલ બેગ ઝુંટવવા બે માણસો કોશીષ કરતા હતા. ત્રીજો માણસ આવી જતા તેના પાસેના કોઇ હથીયારથી બેગની પટ્ટી કાપી નાખી તે ઝુંટવી લીધેલી અને બેગ લઇ બે ઇસમો ખેતરાળુ નાશી છુટેલા હતા અને એક ઇસમને પકડી લીધો હતો.
આ દરમિયાન બુમા-બુમ કરતા રાહદારીઓ તથા આજુબાજુના માણસો ભેગા થઇ ગયા હતા. આ પકડેલા ઇસમનું નામ પુછતા તેણે તેનુ નામ અખીલેશ નાથુભાઇ મીણા (રહે.કેસરીયાજી રાજસ્થાન)નો હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકોએ બરાબર મેથીપાક ચખાડી આ પકડાયેલા ઈસમને મહેમદાવાદ પોલીસના હવાલે કર્યો છે. આ અંગે કિરીટસિંહ ચૌહાણે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે લૂંટનો ગુનો નોંધી બાકીના બે ઈસમોની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.