સામાન્ય વરસાદ:ગળતેશ્વરમાં પોણા ત્રણ અને માતરમાં 2 જ્યારે ખેડામાં માત્ર અડધો ઇંચ વરસાદ

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
માતરના ખોખા બજારમાં વરસાદથી ઢીંચણસમા પાણી ભરાયા હતા. - Divya Bhaskar
માતરના ખોખા બજારમાં વરસાદથી ઢીંચણસમા પાણી ભરાયા હતા.
  • ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં હજુ પણ 67.95, કઠલાલમાં 54.54 ટકા વરસાદની ઘટ, ચોમાસુ પાકની રોપણી નિષ્ફળ

ખેડા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થતાં જિલ્લાવાસીઓએ આનંદની લાગણી અનુભવી છે. રવિવારના 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે 43 મીમી ઠાસરામાં જ્યારે સૌથી ઓછો 2મીમી મહુધામાં નોંધાયો છે. આ 24 કલાક દરમિયાન 10 તાલુકામાં સરેરાશ 14 મીમી એટલે અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે સોમવારે વહેલી સવારથી સાંજના 6વાગ્યા સુધીના અરસામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.

આમ તો, જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. પરંતુ બપોરે 2 વાગ્યા પછી જિલ્લાભરમાં વરસાદ શરૂ થયો હતો. જે સાંજ સુધી પડતા જિલ્લામાં સોમવાર સાંજ સુધીનો સરેરાશ વરસાદ 21.2 મીમી નોંધાયો હતો. એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રવિવારથી સોમવાર સાંજ સુધીના 36 કલાકની વાત કરીએ તો, 36કલાક દરમિયાન સરેરાશ 35.2 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 69 મીમી ગળતેશ્વરમાં અને ખેડામાં સૌથી ઓછો 11 મીમી વરસાદ પડ્યો છે. ત્યારે 36 કલાક દરમિયાન સાર્વત્રિક સવા ઈંચ વરસાદ પડતા સિઝનનો કુલ 64 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

ઠાસરા તાલુકામાં છેલ્લા 3 વર્ષથી સરેરાશ 30 થી 40 ટકા વરસાદની ઘટ રહે છે. પરંતુ ચાલુ વર્ષે 67 ટકા જેટલો વરસાદ ઓછો વરસ્યો હોવાથી ચોમાસુ પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

સપ્ટેમ્બરના 20 દિવસમાં 27 ટકા વરસાદ વધ્યો
ઑગસ્ટના અંતિમ દિવસ સુધી ખેડા જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 36.56 ટકા નોંધાયો હતો. હાલ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા થયો છે. ત્યારે 26.44 ટકા વરસાદ તો સપ્ટેમ્બર માસના 20 દિવસમાં જ નોંધાયો છે. ઓગષ્ટ અંત સુધીના વરસાદના આંકડા ઈંચમાં જોતા ઑગસ્ટ મહિનાના અંતે સિઝનનો 12 ઈંચ વરસાદ જિલ્લાભરમાં નોંધાયો હતો. ત્યારે સપ્ટેમ્બરના 20 દી’ પૂર્ણ થાય છે, ત્યાં જિલ્લાનો વરસાદ 20.68 ઈંચ થયો છે. એટલે સપ્ટેમ્બરના જ 20 દિવસમાં સિઝનનો 8.68 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જુલાઈ અને ઑગસ્ટમાં મેઘરાજા રીસાયા હોય તેમ અગાઉના વર્ષો કરતા સિઝનનો ઘણો ઓછો વરસાદ આ સિઝનમાં નોંધાયો હતો. પરંતુ સપ્ટેમ્બર માસમાં હળવાથી લઈ ભારે વરસાદ તમામ તાલુકાઓમાં નોંધાયો છે. ગળતેશ્વર અને ઠાસરામાં પ્રમાણમાં ઓછો વરસાદ હતો, પરંતુ છેલ્લા 48 કલાકથી બંને તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે હવે આ મુજબ જ વરસાદ વરસતો રહેશે, તો જિલ્લામાં સારા વરસાદ નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...