નવા બનેલા કારોબારી સમિતિના સભ્યોની પ્રથમ મીટીંગ આજરોજ કારોબારી સમિતિ ચેરમેન મનનભાઇ રાવની ઓફિસમાં યોજાઇ હતી. જોકે પ્રથમ મીટીંગના પ્રથમ એજન્ડામાં જ પાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. બે વર્ષ પહેલા પ્રજાના ટેક્સની આવકના રૂ.4.25 લાખના 500 ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવી હતી. જે આજે શહેરમાં સોધ્યા જડી રહ્યા નથી. ત્યાં હવે નગરપાલિકા વધુ રૂ.1230 નું એક એવા 250 જેટલા ટ્રી-ગાર્ડ ખરીદવા તૈયારી કરી રહી છે. જેની કિંમત રૂ.3.07 લાખ થવા જાય છે.
મજાની વાત તો એ છે કે ટ્રી-ગાર્ડને પણ મોંઘવારી નડી છે, જેના કારણે બે વર્ષ અગાઉ રૂ.825માં મળતુ 1 નંગ ટ્રી-ગાર્ડ હવે નગર પાલિકા ને રૂ.1230ના ભાવે મળી રહ્યું છે. પાલિકા દ્વારા ટ્રી-ગાર્ડ માટે ભાવ મંગાવ્યા હતા, જેમાં પણ માત્ર બે જ એજન્સી ઓ પાસેથી ભાવ મળ્યા છે. જે પૈકી શુભલક્ષ્મી એન્ટરપ્રાઈઝ, અમદાવાદનો રૂ.1230 પ્રતિ નંગનો ભાવ ઓછો હોવાથી તેઓનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે બે વર્ષ પહેલા ખરીદવામાં આવેલા ટ્રી-ગાર્ડ ગયા ક્યા? બે વર્ષ પહેલા પાલિકાએ 500 નંગ ટ્રી-ગાર્ડ ખરીદા હતા. તેમાંથી એકપણ ટ્રી-ગાર્ડ હાલ શોધ્યા જડતા નથી. બીજી તરફ વધુ 250 ટ્રી-ગાર્ડની ખરીદી એ પ્રજાના પરસેવાની કમાણીનું પાણી જ કહી શકાય.
પાલિકા સભ્યો, નગરજનો ટ્રી-ગાર્ડ માગે છે
કોરોના કાળમાં વૃક્ષોનું મહત્વ વધ્યું છે. ત્યારે નગરજનો અને અને કાઉન્સિલરો ટ્રી-ગાર્ડની માંગ કરી રહ્યા છે. પ્રથમ ચરણમાં 250 ટ્રી-ગાર્ડ મંગવાનો અંદાજ છે, જે બાદ જરૂર જણાશે તો બીજા 250 ટ્રી-ગાર્ડ મંગાવાશે. > રંજનબેન વાઘેલા, પ્રમુખ, નડિયાદ નગરપાલિકા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.