પ્રાથમિક શાળાનો અનોખો પ્રવેશ દ્વાર:નડિયાદના વાલ્લા ગામે પ્રાથમિક શાળાનો અનોખો પ્રવેશ દ્વાર બાળદેવો દ્વારા ખૂલ્લો મૂકાયો

નડિયાદ17 દિવસ પહેલા
  • શાળાનાસાત પગથિયે જ સફળતાનાં સાત પગથિયાં દર્શાવતો નવતર પ્રયોગ
  • પ્રવેશદ્વારની આજુ બાજુ વિશાળ પેન્સિલ ખાસ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું
  • ગાંધીવાદી શિક્ષક અને શાળાના આચાર્યની મહેનત રંગ લાવી

કોરોનાકાળ પછી આળસી ગયેલા શિક્ષણકાર્યમા બાળકોને સ્કૂલે આવવાનુ ગમે તે હેતુથી નડિયાદ તાલુકાના નાનકડા વાલ્લા ગામની પ્રાથમિક શાળાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ગાંધીવાદી શિક્ષક અને શાળાના ઉપાચાર્ય તથા આચાર્ય એ એકજૂથ થઈને પ્રાથમિક શાળાનો અનોખો પ્રવેશ દ્વાર અભ્યાસ કરતા બાળદેવોને અર્પણ કર્યો છે. એટલુ જ નહી વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સફળતાના 7 પગથીયા આ ગેટ પાસે દોરવામા આવ્યાં છે. અને સૂત્ર મૂકાયુ છે કે 'મારી દઉં હું ઘરને તાળા, મને વહાલી મારી શાળા." ખેડા-આણંદ જિલ્લામાં નોખી ,અનોખી અને જરા હટકે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા રાજ્યભરમાં જાણીતી છે. શાળાના ગાંધીવાદી અને પ્રયોગશીલ શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ કર્યો છે. જે સમગ્ર ખેડા-આણંદમાં સૌ પ્રથમ પ્રયાસ છે.

પ્રવેશદ્વાર તિરંગો રંગ શોભે છે, સાથે બન્ને બાજુએ ઊભેલી વિશાળ લાલ પેન્સિલ ખૂબ આકર્ષક દેખાય છે. અહીયા શાળાના સાત પગથિયાં એ જાણો કે.....સફળતાના સાત પગથિયાં છે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સફળતાના સાત પગથિયાં સ્વપ્ન , સંકલ્પ, આયોજન ,શ્રમ ,શ્રમ , શ્રમ અને શ્રમ...જીવનમાં સફળ થવાની અનેરી પ્રેરણા આપે છે. સાથે આ સાત પગથિયાંના સાત મેઘધનુષી રંગ પણ ખુશહાલ જીવન માટે જાણે કે મહેનત કરવાની શીખ આપે છે.

આ પ્રવેશ દ્વાર પાસે જ મોટી સ્લેટ પણ છે જેમાં લખેલ સૂત્ર પણ ખૂબ જ સૂચક છે. "મારી દઉં હું ઘરને તાળા, મને વહાલી મારી શાળા...." અહીં બાળકોનો કિલ્લોલ નજરે પડે છે. પોતાના ઘરને તાળા મારી દઈ દોડીને શાળાએ આવેલ આ બાળદેવોના હાથમાં ચાવીઓ પણ છે. કહેતાં ઘર જેવું ....કે ઘરથી પણ સવાયું વાતાવરણ શાળામાં અનુભવાય છે તેથી જ તાળા મારી દોડીને શાળામાં આવ્યા છે. તેમ અહીયા અભ્યાસ કરતાં બાળકો જણાવી રહ્યા છે.

આજુ બાજુ બાળકોના મનગમતા કાર્ટુન પાત્રો ભણતરનું મહત્વ સમજાવી રહ્યા નજરે પડે છે. આ સાથે આઝાદીના અમૃત મહોત્સવનું પ્રતિક પણ ઉત્સાહ પ્રેરક બની રહે છે. તન-મન-ધન અને સમયદાન આપીને હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ખૂબ જ આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરી બાળદેવોને આજે અર્પણ કરેલ છે. પ્રેરક નવતર વિચાર,આયોજન અને શાળા સમય બાદ-રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં શાળાએ જઈ -જઈને સ્વખર્ચે કરેલ આ પ્રયોગથી શાળા અને વાલ્લા ગામની શોભામા વધારો થયો છે.

શાળાના વિદ્યાર્થીઓના શુભ હસ્તે આ પ્રવેશદ્વારને અર્પણ કરાયો છે. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને આવકાર્યા હતા. આ પ્રસંગે આચાર્ય જયપાલસિંહ ઝાલા, સરપંચ અશ્વીનભાઈ વાળંદ, ઉપ સરપંચ અશોકભાઈ પરમાર, શાળા પરિવાર, એસએમસી સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...