ગુજરાત રાજ્યની પ્રથમ અંડર-11 એથ્લેટિક્સ મીટનો 6ઠ્ઠી માર્ચથી નડિયાદમાં મરીડા ભાગોળમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દબદબાભેર પ્રારંભ થનાર છે. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 7266 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ બાળકો રમતનાં મેદાનમાં ઊતરશે એ સાથે રસાકસીભરી સ્પર્ધાઓ જામશે.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમ જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ મીટ તથા સહયોગથી આ મીટ યોજાઈ રહી છે. જેમાં વિવિધ 10 પ્રકારની ઇવેન્ટ થશે. આ સ્પર્ધામાં કુલ 11 લાખનાં ઇનામો આપવાનું આયોજન છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે.
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 6ઠ્ઠી માર્ચે સવારે 9 વાગ્યે આ એથ્લેટિક્સ મીટનું ઉદ્ઘાટન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, રાજ્યના ગ્રામવિકાસ અને ગૃહનિર્માણ ખાતાના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે થશે. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અર્જુનસિંહ રાણા પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ લિખિત '1 હજારથી વધુ ભારતીય રમતો'નું વિમોચન પણ થશે.
નડિયાદમાં યોજાનારો આ રમતોત્સવ ચાર દિવસ સુધી ચાલશે. રોજ 10 ઇવેન્ટ થશે. જેના વિજેતાઓને રોજ સાંજે ઇનામ અપાશે. આ સ્પર્ધાના વિજેતા બાળકોની સ્પોર્ટ્સની ટેલેન્ટને વધુ વિકસાવીને તેને સતત પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓને લઈ જવાના પ્રયાસો કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.