શુભારંભ:રાજ્યની પ્રથમ અંડર-11 એથ્લેટિક્સ મીટનો નડિયાદથી શુભારંભ કરાયો

નડિયાદ5 મહિનો પહેલા
  • રમત-ગમતથી બાળકોમાં એકાગ્રતા અને ગ્રહણશક્તિ કેળવાય છે: ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી તેમજ ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સના સહયોગથી રાજ્યકક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટનો શુભારંભ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહએ કર્યો હતો.

આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનએ જણાવ્યું હતું કે, રાજયકક્ષાની એથ્લેટિકસ મીટ-2022 માં 7 હજાર ઉપરાંતના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. રમત-ગમતથી બાળકોમાં એકાગ્રતા અને ગ્રહણશક્તિ કેળવાય છે ત્યારે રમત-ગમતનું જીવનમાં અને શિક્ષણમાં મહત્વ ખુબ છે. વધુમાં તેઓએ મીટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજોડ યુનિવર્સિટી છે. રમત ગમત બાળકના વિકાસનો મહત્વનો આયામ હોવાર્થી ભવિષ્યની 2036ની ઓલિમ્પિકમાં ભારતને વધુ સારી સિદ્ધિ મળે તે માટે આ ઐતિહાસિક મીટનું આગવું આયોજન કરાયું છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહએ જણાવ્યું હતું કે, રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સના સહયોગથી આગમી તા.10મી માર્ચ સુધી આ મીટનું આયોજન છે. આ સ્પર્ધામાં કુલ 11 લાખના ઇનામો આપવાનું આયોજન છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે.

આ પ્રસંગ દરમિયાન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ અને ડૉ. કેશુભાઇ મોરસાણિયા દ્વારા લખાયેલ એક હજારથી વધુ ભારતીય રમતો' લેખીત પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ મીટની રૂપરેખા તેમજ સમગ્ર સંકલન વિદ્યાનિકેતનના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલ તથા આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલે કર્યુ હતું.

2036 માટે ગુજરાતમાં રમતવીરો તૈયાર થશે
2036 માં આપણા દેશમાં ઓલમ્પિક રમારના છે. ત્યારે આજ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. ભારતમાં થનારી ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો ભાગ લે તે માટે આ પ્રકારની ઇવેન્ટ મહત્વની બની રહેશે. તે માટે બાળકોને વધુમાં વધુ સારી ટ્રેનિંગ આપવી જોઈએ. > અર્જુનસિંહ ચૌહાણે, કુલપતિ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી

આ ઇવેન્ટ ગુજરાતના ખમીરને ઢંઢોળવાનું કામ કરશે
રમત-ગમતની શરૂઆત બચપણથી જ થવી જોઇએ. શ્રેષ્ઠ રમતવીર તૈયાર કરવા માટે બાળકોને રમત-ગમત માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તો જ આપણે 2036 માં ભારતમાં થનારા ઓલિમ્પિકમાં રમતવીરો મોકલી શકીશું. આ દ્રષ્ટિકોણથી જ આ એથ્લેટિક્સ મીટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટ ગુજરાતના ખમીરને ઢંઢોળવાનું કામ કરશે. > હર્ષદભાઈ શાહ, કુલપતિ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...