કોરોનાની મહામારી દરમિયાન મેડિકલ સ્ટાફ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર સરકાર સાથે ઉભા રહીને દર્દીઓની સારવાર કરી હતી. જેના કારણે ડોક્ટર થી લઈ સ્ટાફ નર્સ સુધીના લોકોને કોરોના વોરિયરના બિરુદ મળ્યા છે. પરંતુ આવા કોરોના વોરિયર્સના પગારમાંથી પણ કેટલાક કમિશન ખોરો કમિશન શોધતા હોઈ કોરોના વોરિયર્સમાં રોષ ભભૂક્યો છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા મથકો પર કોવિડ સેન્ટર શરૂ કરાયા હતા. જેમાં સારવાર માટે કોન્ટ્રાક્ટ થી કર્મચારીઓની ભરતી કરાઈ હતી. જેતે સમયે જિલ્લા પંચાયત હસ્તક આવતી કપડવંજની જે.બી.મહેતા હોસ્પિટલમાં 3 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવી હતી. જેમાથી પ્રત્યેક નર્સને રૂ.20 હાજર પગાર નક્કી થયો હતો.
3 મહિના કામ કર્યા બાદ આ સ્ટાફ નર્સનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા તેઓને નોકરી થી છુટા કરવામાં આવ્યા હતા. પરંતુ પગાર મળ્યો ન હતો. જેથી જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર સુધી રજુઆતો કરતા આખરે એક વર્ષ બાદ પગાર મળ્યો હતો. એક તો પગાર મોડો મળ્યો, અને તેમાં પણ પ્રતિ માસ રૂ.700 કમિશન પેટે કાપતા કોરોના વોરિયર્સ માં નારાજગી પ્રવર્તી છે.
કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયત પ્રમુખના જ ગામનો
મહત્વની વાત છેકે ખેડા જિલ્લા પંચાયત હસ્તકની સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટથી કર્મચારીઓને નોકરી આપવામાં આવે છે, તે એજન્સી સાઈનાથજી કૃપા સ્વ સહાય જુથ, ગળતેશ્વર તાલુકાના પરબીયા ગામની જ છે. જોગાનું જોગ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ પણ આજ ગામના રહેવાસી છે. ત્યારે આ શૈલેશભાઈ પટેલ પ્રમુખ નયનાબેન પટેલના સંબંધી છેકે કેમ તે પણ લોક ચર્ચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.