કાર્યવાહી:અલિન્દ્રા નરેગા કૌભાંડના સામે આવ્યાના 121 દિવસ બાદ સરપંચને સસ્પેન્ડ કરાયા

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી જાહેર થઈ તેના ગણતરીના કલાક પહેલા સસ્પેન્ડ કરાતા અનેક તર્ક-વિતર્ક

વસોના અલિન્દ્રા ગામમાં નરેગા યોજનનામાં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવ્યુ હતુ. આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા બાદ આજે 121 દિવસ બાદ સરપંચ રજનીભાઈ પટેલ સસ્પેન્ડ થયા છે. જો કે, ચૂંટણી જાહેર થયાના ગણતરીના કલાક પહેલા જ તેમને સસ્પેન્ડ કરતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

અલિન્દ્રાના સરપંચ રજનીભાઈ પટેલ, તાલુકા પંચાયતના કર્મી સાગર કા.પટેલ અને ગ્રામ રોજગાર સેવક દિનેશ માલિવાડ ત્રણેય નરેગા યોજનામાં કૌભાંડ કર્યુ હોવાનું સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. અગાઉ સાગર અને દિનેશ સામે કાર્યવાહી બાદ આજે ચૂંટણી જાહેર થાય તેના ગણતરીના કલાક પહેલા જ સરપંચને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. રજનીભાઈ પટેલે ગણતરીના કલાક માટે જ પોતાનું પદ ગુમાવ્યુ છે. જો કે, આખી કાર્યવાહીમાં રાજરમત મોખરે રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સરપંચના માથે લાંબા સમયગાળાનું સસ્પેન્ડનું લેબલ ન લાગે અને જે સમયે આચારસંહિતા લાગે તે જ સમયે તેમની સામે કાર્યવાહી કરાતા ચાર્જ છોડવાનો વખત પણ ન આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આખી પરિસ્થિતિ રાજકીય ઈશારે થઈ હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે. જો કે, આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉ બે સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારે હવે કૌભાંડીઓ પાસેથી નાણાંની વસુલાત માટે કેવી કામગીરી થાય છે? તે જોવુ રહ્યુ. 23 જુલાઈએ દિવ્ય ભાસ્કર અખબારમાં સરપંચ ખુદ ભ્રષ્ટાચાર કર્યાનો એકરાર કરતા હોય, તેવા પુરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેના 121 દિવસ બાદ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...