કોરોનાવાઈરસ:ગળતેશ્વરના યુવકનો રીપોર્ટ નડિયાદમાં પોઝિટીવ આવ્યો

સેવાલીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વરના પોઝીટીવ દર્દીને અમદાવાદમાં 3 જ દિવસમાં રજા આપવામાં આવી હતી

ગળતેશ્વર તાલુકાના હીરાના મુવાડા ખાતે રહેતો અને બાવળા ઝાયડ્સ ફાર્મા કંપનીમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝીટીવ આવતા તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેને ત્રણ દિવસમાં રજા આપતા તે ઘરે આવ્યો હતો. આ બાબતની જાણ થતાં આરોગ્ય વિભાગ ચોંકી ગયું હતું અને તાત્કાલિક તેને નડિયાદ હોસ્પિટલમાં ખસેડી સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે ગળતેશ્વરના યુવકનો મોડીસાંજે  કોરોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જેને લઇને ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવ આંકડો 57ને પહોંચ્યો છે.

એમ્બ્યુલન્સ મારફતે આઇસોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યો
ગળતેશ્વર તાલુકાના હીરાના મુવાડા ખાતેનો વતની જીતેન્દ્ર પરમાર (ઉ.વ.31) બાવળા ખાતેની ઝાયડ્સ કંપનીમાં ફરજ બજાવતો હતો. તેને 23મી મે,20ના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ આવ્યો હતો અને તેને અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ તેને કોરોના ટેસ્ટ કરતા નેગેટિવ આવતા તેને 26મી મે,20ના રોજ રજા આપી દેવામાં આવી હતી અને તેને પોતાના ઘેર ગળતેશ્વર હીરાના મુવાડા ખાતે પોતાના ઘરે લાવતા ગામમાં દોડધામ મચી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં આરોગ્ય, પોલીસ અને તાલુકા વિકાસ અધિકારી તેના ઘરે પહોંચ્યાં હતાં. બીજી તરફ તેના ઘરે શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે આઇસોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. 

કનીજમાં ર્ડાકટરના દાદીમા કોરોનામાં સપડાયા
બે દિવસના વિરામ બાદ ખેડા જિલ્લામાં ગુરૂવારે મહેમદાવાદ તાલુકના કનીજમાં ર્ડાકટરના દાદીમાં કોરોનામાં સપડાયા છે. કનીજમાં શ્રીગોળવાસ સફીરભાઇના તબેલા પાસે રહેતા 75 વર્ષીય ડાહીબેન કુબેરભાઇ શ્રીગોળને બે-ત્રણ દિવસ અગાઉ તાવ આવવા સાથે ઉધરસ થઇ હતી. બાદમાં કનીજ પીએચસી દ્ધારા કોરોનાનો ટેસ્ટ કરાવાતા પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. આ વૃધ્ધાના પરિવારના ચાર સભ્યો તથા ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલી વ્યક્તિઓને નડિયાદ કોવિડ કેર સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે.

રસિકપુરાના આધેડને રજા અપાઇ
રસિકપુરાના ઘનશ્યામભાઇ પરમાર (ઉ. 37)નો કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવ્યા બાદ તેઓ નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં આ દર્દી કોરોનામાંથી સ્વસ્થ થતા ગુરૂવારે હોસ્પિટલમાંથી ઘનશ્યામભાઇને ડિસ્ચાર્જ કરાયા હતા. આમ, અત્યાર સુધી નડિયાદની આ હોસ્પિટલમાંથી કુલ 45 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ 15 દર્દી સારવાર હેઠળ છે.

બોરસદમાં લોકડાઉનના 65 દિવસ બાદ કોરોના પોઝિટીવ કેસ નોંધ્યો
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિીટવ કેસ નોંધાયો ન હતો.પરંતુ શરૂવાતથી કોરોના મુકત રહેલા બોરસદ શહેરના મહંમદહુસેન અકબરઅલી સૈયદ(ઉ.વ.58)નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે ઉમરેઠની કોરોના પોઝિટીવ વદ્ધાનું કીડની અને ડાયાબીડીસ બિમારીને કારણે મોત નિપજયું છે. આણંદ જિલ્લામાં કોરોનામાં 10ના મોત નિપજયા છે.જયારે બે મહિલાઓના મોત નોન કોવિડ નિપજયા છે. હાલમાં માત્ર 6 દર્દીઓ  સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...