તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

251 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ:નડિયાદ ફૂડ વિભાગે 2 માસમાં 40 દરોડા પાડયા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોની સિઝનમાં વેપારીઓ ભેળસેળ યુક્ત મીઠાઈ અને ફરસાણ વેચતા હોઇ તપાસ કરાતી હોય છે

નડિયાદ ફૂડ વિભાગ દ્વારા જુલાઈ અને ઑગસ્ટ માસમાં 40 ખાદ્ય એકમો પર તવાઈ બોલાવી છે. તેમાંય તહેવારોની સિઝનમાં 19 એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કુલ 251 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમાં પાણીપુરીનું પાણી, ભજીયા, ગોટા, ફાફડા, ખમણ સહિતના ફાસ્ટ ફુડનો સમાવેશ થાય છે. નાશ કરાયેલા અખાદ્ય જથ્થાની કિંમત 19 હજાર રૂપિયા હતી. આ ઉપરાંત હળદર, મરચાના જથ્થાનો પણ નાશ કરાયો છે.

40 જગ્યાઓએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન તહેવારની સિઝનમાં મોટાભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ફૂડ વિભાગે તપાસ આદરી હતી. જ્યાં 40 જેટલા સેમ્પલો લેવાયા હતા. આ પૈકી 5 રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ઉપરાંત હાલ તહેવારોમાં ઉપવાસનો મહિમા હોય, મોટા પાયે ફરાળી વસ્તુઓનું વેચાણ થતુ હોવાથી તેના પણ સેમ્પલો લેવાયા છે.

પાછોતર વરસાદના કારણે નડિયાદ સહિત જિલ્લામાં રોગચાળાનું સંકટ માથે છે, ત્યારે ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ખાદ્ય વસ્તુઓના કારણે કોઈ બિમાર ન પડે તે માટે સમાયંતરે આ પ્રકારની કાર્યવાહી કરાતી હોવાનું જણાવાયુ છે. ઉપરાંત તહેવારોની સિઝનમાં લોકો ભેળસેળ યુક્ત મીઠાઈ અને ફરસાણ વેચતા હોય તેમની સામે કાર્યવાહી કરવા પણ સમાયંતરે તપાસ કરાતી હોય છે.

પાણીપુરીની 25 લારીઓ પર અખાદ્ય પાણીનો નાશ કરાયો
છેલ્લા બે માસમાં નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા 25 પાણીપુરીઓની લારીઓ પર તપાસની ધમધમાટી બોલાવાઈ હતી. જેમાં પાણીનો જથ્થો અખાદ્ય જણાતા અંદાજીત 150 લિટર જેટલા જથ્થાનો નાશ કરાયો છે. ત્યારે હાલ વાઈરલ ફીવર અને અન્ય રોગચાળાએ પકડ જમાવી હોય ત્યારે આ કાર્યવાહી સતત ચાલુ રહે તે જરૂરી છે.

હળદર-મરચાની કંપનીમાંથી 2296 કિલો જથ્થો જપ્ત કર્યો
ફૂડ વિભાગના અધિકારી સતિશભાઈ ભગત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, થોડા સમય પહેલા નડિયાદ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સેલ્સ કોર્પોરેશન નામની કંપનીમાં દરોડા પાડયા હતા. જેમાં હળદર, મરચુ અને મીઠાનો કુલ 2296 કિલો જેની અંદાજીત કિંમત 2,35,563 જથ્થો જપ્ત કરાયો હતો. તેમજ સેમ્પલ લઈ તેને તપાસ માટે મોકલ્યા હતા. જેનો રીપોર્ટ આગામી દિવસોમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...