ગયા સપ્તાહના અંતમાં નડિયાદ નગરપાલિકા અને પશુપાલકો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. શહેરમાં રખડતી ગાયોના ત્રાસની ફરીયાદો સામે આવી હતી. જેના પગલે પાલિકા અને પશુમાલિકોએ બેઠક કર્યા બાદ હકારાત્મક નિર્ણય લીધો છે. આગામી સમયમાં પશુ માલિકો અને પાલિકાના સંયુક્ત પ્રયાસથી બિનઉપયોગી ગાયો જે દૂધ નહીં આપતી હોય અને અન્ય કોઈ ઉપયોગ નહીં હોય તેવી ગાયોને પકડીને નડિયાદની બહાર મોકલાશે.
પશુમાલિકો પોતાની જે ગાયો બિનઉપયોગી હશે, તેને ગામડે મોકલવાની વ્યવસ્થા કરશે, ઉપરાંત જે ગાયોના માલિકોની ભાળ નહીં મળે અને તે બિનઉપયોગી હશે, તો પાલિકા પ્રશાસન તેને નડિયાદ બહાર મોકલશે. આ ઉપરાંતની જે ગાયો શહેરના રસ્તાઓ પર રખડતી હશે, તેને પાલિકા દ્વારા પકડવા માટે પણ સહમતિ થઈ છે અને તેમાં પશુમાલિકો પણ પોતાના ઢોરને જાહેર માર્ગો પરથી હટાવશે, તેવો નિર્ણય લેવાયો છે.
પાલિકાના ફાયર વિભાગે જણાવ્યા મુજબ અત્યાર સુધી જાહેર માર્ગો પર રખડતી 45 ગાયોને પાંજરે પુરાઈ છે. જે પૈકી 10 ગાયોને તેમના માલિકો છોડાવી ગયા છે. પાલિકા દ્વારા ગાયોને મુક્ત કરી અને પશુમાલિકો પાસે 3000 રૂપિયાનો દંડ વસુલ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.