તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મેના પ્રથમ સપ્તાહની સરખામણીએ અંતિમ સપ્તાહમાં 62 ટકા કેસ ઘટ્યા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રથમ સપ્તાહમાં 1234 સામે અંતિમ સપ્તાહમાં 471 કેસ; દાખલ દર્દીની સંખ્યામાં 68 % ઘટાડો

કોરોના કાળે બીજા તબક્કામાં ખેડા જિલ્લામાં વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. એપ્રિલના અંતિમ દિવસોમાં કેસોમાં અચાનક વધારો થયા બાદ મે માસના પ્રથમ પખવાડિયામાં કોરોના વધુ વિસ્તર્યો હતો. પરંતુ સદનસીબે મે માસનો અંતિમ સપ્તાહ પૂર્ણ થયો છે, ત્યારે કોરોનાની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. મે માસના પ્રથમ સપ્તાહમાં કુલ 1234 પોઝીટીવ કેસ નોંધાયા હતા, જેની સરખામણીમાં મે માસના જ અંતિમ સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીએ 62 ટકા કેસ ઓછા નોંધાયા છે. મે માસના અંતમાં માત્ર 471 પોઝીટીવ પોઝીટીવ કેસ નોંધાયા છે.

એટલે પ્રથમ સપ્તાહ કરતા 763 દર્દીઓ ઓછા થયા છે. બીજીતરફ રીકવરી રેટ તરફ નજર ફેરવીએ તો મે માસના પ્રથમ સપ્તાહમાં 1039 કોરોના દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ હતી, રીકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં કેસોમાં થયેલા વધારાને કારણે તે સમયે એક્ટિવ કેસની સંખ્યા 1066 હતી. જ્યારે મે માસના અંતિમ સપ્તાહમાં 962 દર્દીઓને રજા આપવામાં આવી છે. સાથોસાથ કેસોમાં પણ ઘટાડો નોંધાતા માત્ર 350 એક્ટિવ કેસો વધ્યા છે. પ્રથમ સપ્તાહમાં 1066 એક્ટિવ કેસ સામે અંતિમ સપ્તાહમાં 350 એક્ટિવ કેસ રહેતા 68 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જિલ્લાની 43 હોસ્પિટલોમાં અંતિમ સપ્તાહમાં 879 બેડ ખાલી
મે માસના પ્રથમ સપ્તાહમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો એમ કુલ 43 હોસ્પિટલોમાં કુલ 1350 કોરોના બેડમાંથી માત્ર 311 ખાલી હતા. જેની સંખ્યા મે માસના અંતિમ સપ્તાહમાં વધીને 879 થઈ છે. કોરોના દર્દીની સંખ્યામાં ઘટાડો થતા અને રીકવરી રેટમાં સુધારો થતા બેડ ખાલી થયા છે. એટલે 1350 બેડમાંથી હાલ 879 બેડ ખાલી છે. જેમાં નડિયાદ સિવિલમાં હાલ 90 બેડ ખાલી છે, જે પ્રથમ સપ્તાહમાં 13 જ બેડ ખાલી હતી. એન. ડી. દેસાઈ હોસ્પિટલમાં હાલ 148 ખાલી છે, જ્યારે પ્રથમ સપ્તાહમાં માત્ર 10 બેડ ખાલી હતી. મહા ગુજરાત હોસ્પિટલમાં 43 બેડ ખાલી છે અને મે માસના પ્રથમ સપ્તાહમાં માત્ર 8 બેડ ખાલી હતા.

મોતનો આંક પણ 60% ઘટ્યો
મે માસના પ્રથમ સપ્તાહમાં કોરોનાના કારણે 93 લોકોના મોત થયા હતા. જ્યારે અંતિમ સપ્તાહમાં આ આંકડામાં 56ના ઘટાડા સાથે 37 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવતા કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા છે. એટલે પ્રથમ સપ્તાહની સરખામણીએ 60 ટકા મોત ઘટ્યા હોવાનું નોંધાયુ છે.

રસીકરણમાં પણ અધધધ...વધારો
મે માસનું છેલ્લુ અઠવાડિયુ કોરોના બાબતે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યુ છે. અગાઉ પહેલા અઠવાડિયા દરમિયાન 23,645 લોકોનું વેક્સીનેશન કરાયુ હતુ. છેલ્લા અઠવાડિયામાં 14,374ના વધારા સાથે 38,019 લોકોનું વેક્સીનેશન કરાયુ છે. એટલે વેક્સીનેશનમાં પણ વધારો થતા ક્યાંક રાહતના સમાચાર સામે આ‌વ્યા છે.

અંતિમ સપ્તાહમાં કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરાયો
કોરોના સંદર્ભે મે માસનું અંતિમ સપ્તાહ ખુશીના સમાચાર સામે લઈ આવ્યુ છે. તેમાંય નોંધપાત્ર બાબત એ છે કે, પ્રથમ સપ્તાહમાં 5832 કોરોના સેમ્પલ લેવાયા હતા. જેની સાપેક્ષે આ દિવસોમાં 21 ટકા પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે અંતિમ સપ્તાહમાં 7125 કોરોના સેમ્પલ લેવાયા છે, જેની સાપેક્ષે આ દિવસો દરમિયાન માત્ર 6 ટકા કોરોના દર્દી નોંધાયા છે. વળી, ટેસ્ટીંગની સંખ્યામાં પણ પ્રથમ સપ્તાહ કરતા અંતિમ સપ્તાહમાં 1293નો વધારો થયો છે. આમ છેલ્લા સપ્તાહમાં 15 ટકા ટેસ્ટીંગમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...