સરકારી બાબુઓ દ્વારા પ્રજાના પ્રતિનિધિઓને માંગેલ માહિતીના યોગ્ય જવાબો નહીં અપાતા હોવાની અનેક ફરિયાદો આવતી હોય છે. ત્યારે જિલ્લા સંકલનની બેઠકમાં પણ ધારાસભ્યોને તેમના પ્રશ્નોના અપૂરતા અને અધુરા જવાબો અપાતા હોવાની ફરિયાદ ખુદ મહુધા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં ચાલતી ફેક્ટરીઓ અને તેમાં પણ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ચાલતી એરોમેટીક એન્જીનીયરીંગ લીમીટેડ બાબતે તેઓએ જિલ્લા શ્રમ આયુક્તમાં લેખિત જવાબો માંગ્યા હતા. પરંતુ શ્રમ આયુક્ત દ્વારા કેટલીક માહિતી ઔધોગિક સલામતી અને સ્વાસ્થયની કચેરીને લગતી હોવાનું તો કેટલીક માહિતીના રેકર્ડ કચેરીમાં રાખવામાં આવતા નથી તેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા.
તો વળી કચેરીના અધિકારી દ્વારા આવી કેપનીઓમાં કોઈ વિઝીટ જ કરવામાં આવી નથી, તેવો લેખીત જવાબ ધારાસભ્યને આપવામાં આવતા ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા. જિલ્લા સંકલન જેવી મિટિંગમાં ધારાસભ્યને જો આ રીતે ઉઠા ભણાવવામાં આવતા હોય તો, આ સરકારી બાબુઓ પ્રજાને શું જવાબો આપતા હશે તે સમજવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.