સમસ્યા:7 લાખના ખર્ચે થયેલ કાંસ સફાઇની કામગીરી પર વાવાઝોડું ફરી વળ્યું

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોમાસુ માથે હોવા છતા કાંસની સફાઇમાં વેઠ ઉતારાયાનું દેખાઇ રહ્યું છે. - Divya Bhaskar
ચોમાસુ માથે હોવા છતા કાંસની સફાઇમાં વેઠ ઉતારાયાનું દેખાઇ રહ્યું છે.
  • 17 જુનથી ચોમાસુ શરૂ થવાની હવામાન ખાતાની આગાહી
  • વરસાદી પાણીનો નિકાલ કરતા મોટા ભાગના કાંસમાં કચરો

નડિયાદ શહેરમાં ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે કાંસ બનાવવામાં આવ્યાં છે. જેની દર વર્ષે પાલિકા દ્વારા સફાઇ હાથ ધરાતી હોય છે. પાલિકા દ્વારા આ વર્ષે પણ મહિના અગાઉથી જ કાંસ ની સફાઇ શરૂ થઇ ગઇ હોવાનો દાવો કરાઇ રહ્યો છે. પરંતુ સ્થળ પરની સ્થિતિ જોતા તમામ દાવાઓ લુલા સાબિત થઇ રહ્યા છે.

ચોમાસુ માથે હોવા છતાં કાસની સફાઇ માં વેઠ ઉતારવામાં આવી હોવાનું દેખાઇ રહ્યું છે. ખાસ કરીને શહેરના નવા બસ સ્ટેન્ડ બહાર, ડભાણ ભાગોળ પોલીસ ચોકી પાસે, ચકલાસી ભાગોળ, દેસાઇ સંસ્કાર વાડી પાસે, રબારી વાસનો ઠાળ વગેરે જગ્યા પર કાંસ ની સફાઇ નહીં થઇ હોવાનું ધ્યાન પર આવ્યું છે. હવામાન ખાતા દ્વારા કરાતી આગાહી મુજબ 17 જુન થી મધ્ય ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. ત્યારે જો આ તમામ કાંસ ની યોગ્ય સફાઇ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમ્યાન ફરી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાશે.

એક મહિનાથી સફાઇ કામ ચાલુ છે પરંતુ વાવાઝોડાને કારણે કામગીરીને અસર થવા પામી છે
નડિયાદ પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી એક માસ અગાઉથી ચાલું કરાયાનો દાવો થઇ રહ્યો છે. જે માટે અત્યાર સુધી અંદાજિત 7 લાખના ખર્ચ કાંસની સફાઇ માટે થઇ ચુકયો છે. પરંતુ વાવાઝોડા દરમ્યાન 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેની અસર કામગીરી પર થઇ છે. ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ થઇ જશે. - ચન્દ્રેશભાઇ ગાંધી, એન્જિનીયર કાંસ ના ન.પા

દેસાઇ વગાના કાંસમાં જાળી જ નથી
દેસાઇ વગા વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર પાસે વરસાદમાં કેડ સમું પાણી ભરાતું હોય છે. અહીં પણ કાંસમાં જાળી લગાવેલી નથી. આસપાસનો તમામ કચરો બધો કાંસમાં ભરાઇ જાય છે. કાંસની સફાઇ કરી ચોમાસુ સક્રિય થાય તે પહેલા પ્રોટેક્શન જાળી નાંખવામાં આવે તો પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.

કાંસમાં પાણી સાથે કચરો પણ જાય છે
ડભાણ ભાગોળ પોલીસ ચોકી પાસે આવેલ કાસમાં કચરો ના જાય તે માટે પ્રોટેક્શન જાળી લગાવી છે. પરંતુ આ ઝાળી તુટી ગયેલ હોઇ આસપાસનો તમામ કચરો પાણી સાથે કાંસમાં જઇ રહ્યો છે. જેના કારણે કાંસમાં બ્લોકેજ થઇ રહ્યું છે. આ કચરો કાઢી નવી જાળી લગાવવી જરૂરી છે. નહી તો ચોમાસા દરમ્યાન પાણીનો નિકાલ અટકશે, અને જેતે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...