શિયાળુ ઘઉં ની સિઝન પૂર્ણ થવા આવી છે, અને હવે થોડા દિવસમાં ઘઉં લણવાનું શરૂ થનાર છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સીધા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. આ વર્ષે રૂ.2015 પ્રતિ ક્વિન્ટલ નો ટેકાનો ભાવ સરકાર દ્વારા જાહેર કરાયો છે.
જે ભાવથી ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડુતે માર્ચ માસ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. મહત્વની વાત છેકે ખેડા જિલ્લામાં નડિયાદ, મહેમદાવાદ, માતર, મહુધા, ખેડા, કપડવંજ, ઠાસરા, વસો, કઠલાલ અને ગળતેશ્વરના વિસ્તારોમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાં 76,925 હેક્ટર વિસ્તારમાં ઘઉં નું ઉત્પાદન થયું છે.
છેલ્લા કેટલાક સમયથી માવઠા અને વાવાઝોડાના કારણે પાકમાં નુકસાન વેઠી રહેલ ચરોતરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યભરના ખેડુતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે ખેડા જિલ્લાના માતર પંથકમાં સૌથી વધુ 19230 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે.
જ્યારે સૌથી ઓછું વાવેતર જિલ્લાના ગળતેશ્વર પંથકમાં ફક્ત 766 હેક્ટર વિસ્તારમાં થયું છે. જોકે મહેમદાવાદમાં 14876, ખેડામાં 11694, હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. આ સિવાય અન્ય તાલુકાની વાત કરીયે તો નડિયાદમાં 7394, ઠાસરા 5450, વસો 3200, કઠલાલ 4113, કપડવંજ 5287 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
ખેડુતો દ્વારા મોંઘા બિયારણ અને રાત દિવસ ના ઉજાગરા કરી ઘઉંનો પાક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે પાક નો ઉતારો આવ્યા બાદ ભાવ સારો પડશે કે કેમ તેની ચિંતા ખેડુતોમાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ આજરોજ સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર થતા હવે નોંધણી ની કાર્યવાહી શરૂ થશે. સરકાર દ્વારા 2 માર્ચ થી 31 માર્ચ સુધી નોંધણી સ્વિકારવામાં આવનાર છે.
કેવી રીતે થશે નોંધણી?
જે ખેડુત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છા ધરાવતા હોય તેણે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગ્રામ નમુનો 7-12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગતો અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.