ચોરી:કઠલાલના ફાગવેલમાં પાર્ક કરેલી ઈકો કારના કાચ તોડી રૂ. 4.8 લાખના રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર માલિકે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના મુખ્ય મથક સહિત તાલુકા મથકોએ ચોરીના બનાવો વધી રહ્યા છે. તો બીજી બાજુ હવે ધોળા દિવસે ગામોમાં પણ ચોરીના બનાવથી ચકચાર જાગી છે. કપડવંજના એક વેપારી કામ અર્થે કઠલાલના ફાગવેલ ગામે ગયાને ચોરીનો શિકાર બન્યા છે. વેપારીએ પોતાની ઈકો કાર ગામમાં પાર્ક કરી હતી અને આ દરમિયાન કોઈ ચોર ઈસમે કારનો કાચ તોડી અંદર મૂકેલ રોકડ રૂપિયા 4 લાખ 8 હજારની ચોરી આચરી છે. આ ઘટના સંદર્ભે કાર માલિકે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલ કુબેરનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષિય જશવંતભાઈ ચતુરભાઈ પટેલ પોતે શહેરમા ઉમા ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાન તથા સિમેન્ટના સળીયાનો ધંધો કરે છે. તેમજ સાઈડમાં મકાન તથા દુકાનોના બાંધકામનો કોન્ટ્રાક્ટ પણ રાખે છે. ગતરોજ સવારે તેઓ કપડવંજ દાણા રોડ પર સાઈટ ચાલે છે ત્યાં હાજર હતા. આ સમયે તેમની દુકાનના એક ગ્રાહક પાસેથી જશવંતભાઈએ 4 લાખ 8 હજાર રોકડા લીધા હતા. જે સંદર્ભેની રસીદ પણ જશવંતભાઈએ ગ્રાહકને આપી હતી.

આ રોકડ જશવંતભાઈએ સાચવીને એક લેધરની બેગમાં મૂક્યા હતા અને ત્યારબાદ તેમને અન્ય સાઈટ પર જવાનું હોવાથી તેઓ આ બેગ પોતાની ઈકો કાર (નં. GJ-07-BR-7463)ની પાછળની સીટે મૂકી કઠલાલના ફાગવેલ ગામે તેમના મિત્ર સાથે ઉપરોક્ત ગાડી લઈને આવ્યા હતા. લગભગ બપોરના દોઢ વાગ્યાની અરસામાં પહોંચેલા જશવંતભાઈએ પોતાની ઈકો કાર ગામના પ્રાથમિક શાળા પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી નજીક ચાલતાં સાઈટના કામે ગયા હતા.

જશવંતભાઈએ સવા ત્રણ વાગ્યાની આસપાસ પાર્ક કરેલ ઈકો કાર પાસે પહોંચતા કારના ડ્રાઈવર સાઈડની પાછળની સીટના બારીના કાચ તૂટેલી હાલતમાં જોઈ ચોકી ઉઠ્યા હતા. તપાસ કરતાં અંદર મૂકેલ લેધરની બેગ જોવા મળી નહોતી. તેથી તેઓ હબતાઈ ગયા અને આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. પરંતુ તેમની બેગની કોઈ ભાળ મળી નહોતી. આ બેગમાં રોકડ રૂપિયા 4 લાખ 8 હજાર તેમજ બેંકની ચેકબુકો હોવાનું કાર માલિકે જણાવ્યું છે. આ અંગે જશવંતભાઈ પટેલે તાબડતોબ કઠલાલ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 379, 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...