કોરોના કાળ:જિલ્લામાં 15 થી 18 વર્ષના 57 ટકા બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપાયો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1.28 લાખના ટાર્ગેટ સામે 8 દિવસજમાં 73,677 બાળકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે રસીકરણને પણ વેગ આપવામાં આવ્યો છે. ગત તા.3 જાન્યુઆરીથી જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકો માટેના રસીકરણ નો પ્રારંભ થયો હતો. જેનો આંક 8 દિવસમાં 57.56 ટકા સુધી પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં છેવાડાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેથી કોરોના સામે દરેક વ્યક્તિને રક્ષણ આપી શકાય. જો આજ ઝડપે આગળ પણ રસીકરણ ચાલશે તો જાન્યુઆરીના અંત સુધીમાં બાળકોનું રસીકરણ પૂર્ણ થઈ જાય તેમ છે.

જિલ્લામાં તા.3 જાન્યુઆરીના રોજ બાળકોને રસીકરણની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પ્રથમ દિવસે જ 22, 212 બાળકોને રસી આપવામાં સફળતા મળી હતી. બીજા દિવસે પણ 20 હજાર જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રસીકરણનો આંક ધીરે ધીરે ઘટતો જોવા મળ્યો છે.

જોકે સારી બાબત એ છેકે સરકાર દ્વારા આરોગ્ય વિભાગને આપવામાં આવેલા કુલ ટાર્ગેટ 1.28 લાખ પૈકી 73,677 બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. જેથી 57.56 ટકા કરતા વધુ ટાર્ગેટ એક સપ્તાહમાં પૂર્ણ થઈ ગયો છે. જેને જોતા જાન્યુઆરી માસના અંત સુધીમાં જિલ્લાના 15 થી 18 વર્ષના તમામ બાળકો રસીકરણથી સજ્જ થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...