• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • The Entire District, Including Nadiad, Celebrated Good Friday After Two Years Of Corona, Devotion To The Way Of The Cross And Chanting Of Hymns In Temples.

આજે ગુડફ્રાઈડેનો તહેવાર:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુડફ્રાઈડે પર્વ કોરોનાના બે વર્ષ બાદ મનાવાયો, ક્રૂસના માર્ગની ભક્તિ તથા દેવળોમાં ભજનો ગવાયા

નડિયાદએક મહિનો પહેલા
  • પ્રભુ ઈસુએ આજના દિવસે માનવજાતિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું
  • નડિયાદની વિન્સેટ ધ પોલ સંસ્થા દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવ્યું

દાન, તપ અને આરધાનનાનું પર્વ એટલે ગુડફ્રાઈડે. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર ગુડફ્રાઈડે આજે સમગ્ર પંથકમાં મનાવવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષના કોરોના કાળમાં સાદગી પૂર્વક ઘરે ઘરે પ્રાર્થના કરાતી હતી. જેના બાદ સૌપ્રથમ વખત આ વર્ષે આ પર્વ દેવળોમાં મનાવવામાં આવ્યું છે. ખાસ‌ આ દિવસે ક્રૂસના માર્ગની ભક્તિ તથા ભજનો ગાવામાં આવે છે અને શોક પર્વ મનાવવામાં આવે છે. પ્રભુ ઈસુએ આજના દિવસે માનવજાતિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે શુક્રવારે ખ્રિસ્તી બંધુઓએ ગુડફ્રાઈડે પર્વ મનાવ્યું છે. આ દિવસના આગળના દિવસે ખ્રિસ્તી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું અને તેમના પગને ધોવામાં આવ્યા હતા. આજે શુક્રવારે ગુડફ્રાઈડેના દિવસે દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરાયું હતું. આ ઉપરાંત ક્રૂસના માર્ગની ભક્તિ તથા દેવળોમાં ભજનો ગાવામાં આવ્યા છે.

નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી દરમિયાન આ ગુડફ્રાઈડે પર્વ ઓનલાઇન તથા ખૂબજ સાદગીપૂર્ણ ઉજવવામાં આવતું હતું. પરંતુ ચાલુ વર્ષે આ દિવસને શ્રદ્ધા અને આસ્થાભેર નડિયાદ સહિત જિલ્લાના દેવળોમાં ખ્રિસ્તી સમુદાયના લોકો એકઠા થઇને મનાવ્યો છે. નડિયાદમાં સેન્ટ મેરીસ ચર્ચમાં આ દિવસ નિમિત્તે વિશિષ્ટ પ્રાર્થના કરવામાં આવી હતી તથા ક્રૂસના માર્ગની ભક્તિ કરવામાં આવી હતી. આ બાદ ફાધર સિજોન દ્વારા ધર્મબોધ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાધર રમેશ, ફાધર વિલ્સેન્ટ અને ફાધર ફ્રાન્સિસ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહ્યા હતા.

નડિયાદ સેન્ટ મેરીસ ચર્ચના ફાધર રમેશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં મહાસપ્તાહ ચાલી રહ્યો છે. આજે આ મહાસપ્તાહનો બીજો દિવસ એટલે ગુડફ્રાઈડે. આજે પવિત્ર શુક્રવારે પ્રભુ ઈસુ ક્રોસ પર મૃત્યુ પામ્યા હતા. માનવજાતિ માટે આ મુક્તિનો દિવસ ગણવામાં આવે છે. કારણ કે સમગ્ર માનવજાતિને જીવન કેવી રીતે જીવવું તેનો પદાર્થ પાઠ પ્રભુ ઈસુએ શીખવ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોનામાં પુરા થયા છે અને આજે પ્રભુએ આ રૂડો અવસર આપ્યો છે ત્યારે અમારો કેથોલિક સંપ્રદાય ખૂબ જ પ્રેમ અને આનંદ તથા શાંતિથી પ્રભુના ગુણગાન ગાઈ પ્રાર્થના કરી રહ્યો છે અને સમગ્ર માનવજાતિ માટે પ્રાર્થના કરે છે.

આજે વિશેષ દાનનું પણ એટલું જ મહત્વ રહેલું હોવાથી આ પર્વ નિમિત્તે ખ્રિસ્તી બંધુઓએ તથા સંસ્થાઓ ગરીબ વર્ગના સહારે આવ્યા છે. વિન્સેટ ધ પોલ નડિયાદ સંસ્થા દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...