પીએમના નિવેદનથી કોંગ્રેસ ભડકી:જિલ્લા કોંગ્રેસે પીએમના નિવેદનને લઈને કહ્યું, "સરકાર કોંગ્રેસ પર દોષારોપણ કરીને પોતાના શાસનની નિષ્ફળતાઓ ઉપર ઢાંકપીછોડો કરી રહી"

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • "પરપ્રાંતિય મજૂરોને કૉંગ્રેસ દ્વારા ઉત્તેજીત કરવામાં આવ્યા હતા'' એવું નિવેદન ખોટું-ગેરમાર્ગે દોરનારૂ : કોંગ્રેસ
  • નડિયાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદ મળી હતી
  • આમ કહેવામાં માત્ર પરપ્રાંતિય મજૂરોનું અપમાન નહીં પરંતુ સરકારની ઉદ્ધતાઈ દેખાય છે - કોંગ્રેસ પ્રવક્તા

ખેડા જિલ્લા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજયસભામાં આપેલા "પરપ્રાંતિય મજુરોને કોંગ્રેસ દ્વારા ઉત્તેજીત કરવામાં આવ્યા હતા" નિવેદનને તદ્દન ખોટુ અને ગેરમાર્ગે દોરનારૂ ગણાવ્યું હતું.

નડિયાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મળેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા નવીનભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, મોદી સરકાર કોંગ્રેસ પક્ષ પર દોષારોપણ કરીને, તેના સદંતર ગેરવહિવટ, પરપ્રાંતિયો પ્રત્યે લાપરવાહી ભર્યો વ્યવહાર અને શાસનની નિષ્ફળતાઓ ઉપર ઢાંકપીછોડો કરી રહી છે. પરપ્રાંતિય મજુરોને ઉત્તેજીત કરવામાં આવ્યા હતા અને તેઓ હતા ત્યાં જ રહેવું જોઈએ એવું કહેવામાં માત્ર પરપ્રાંતિય મજુરોનું અપમાન નહીં પરંતુ સરકારની સરેઆમ ઉદ્ધતાઈ દેખાઈ આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો રોજેરોજ કમાઈને ખાનારા છે. તેવા દેશના પરપ્રાંતિય મજુરોને રોજગારી વગર કે રહેવા ખાવાની સુવિધા માટેના સાધનો વગર રઝળતા મુકી દેવામાં આવ્યા હતા. સેફ્ટીનેટ (સલામતીજાળ)ના અભાવે તેમની પાસે કોઈપણ રીતે પોતાના ઘરે પાછા ફરવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

આગળ જણાવાયું હતું કે "વંદે ભારત મિશન" હેઠળ વિદેશમાં ફસાયેલા 25 લાખ ભારતીયોને ભારત પાછા લાવવા બદલ પોતાની પ્રશંસા મોદી સરકાર કરે છે પરંતુ પોતાના ઘરે પાછા ફરેલ પરપ્રાંતિય મજુરોને મદદ કરવાનો પ્રયત્ન કરવા બદલ વિપક્ષોને દોષિત ઠેરવે છે. હકીકીતમાં તો પરપ્રાંતિય મજૂરો પણ અન્ય કોઈ નાગરિકોની જેમ "વંદે ભારત મીશન" હેઠળ મદદ મેળવવાને પાત્ર હતા.

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રસ્તાઓ ઉપર રઝળી રહેલા પરપ્રાંતિય મજુરો પરત્વે ઉદાસીનતા બદલ વ્યાપક ટીકાઓ બાદ, સરકારને પોતાને, મજૂરોને વતન પાછા ફરવા માટે 4450 જેટલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની ફરજ પડી હતી. આ શ્રમિક ટ્રેનોના આયોજનનાં સદંતર અભાવે 9મી સપ્ટેમ્બર 2020 સુધીમાં શ્રમિક ટ્રેનમાં ઓછામાં ઓછા 97 % જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા એમ રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે રાજયસભામાં સ્વીકારેલી હકીકત છે. ગુજરાત સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા બાબતે વિલંબ કરી રહી છે એમ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધેલી છે.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માત્ર 10 હજાર મૃત્યુ દર્શાવે છે. સુપ્રિમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે 68 હજાર 370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે અને બીજા 24 હજાર કલેઈમ પ્રગતિમાં છે. કુલ 89,633 લાકોએ વળતર માટે અરજી કરેલ છે. કૉંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી છેલ્લા 6 માસથી કહી રહ્યા છે કે ગુજરાતમાં કોરોનાને કારણે 3 લાખ કરતા વધુ મૃત્યુ પામ્યા છે અને તેમના પરિવારોને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ (NDMA)ની જોગવાઈ મુજબ રૂપિયા ચાર લાખ વળતર મળવુ જોઈએ. સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે? સરકારે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ, એમ કોંગ્રેસ પક્ષની માંગણી છે.

વધુમાં જમાવતા તેમણે કહ્યું હતું કે સાથે સાથે કોંગ્રેસ એમ પણ માંગણી કરે છે કે કોરોનાને કારણે સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને સરકારી નોકરી આપવી જોઈએ. રાજય સરકાર અત્યારે કોરોનાના ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ. તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધરવી જોઈએ જેથી ત્રીજા વેવમાં થતા નુકશાનને અટકાવી શકાય એવી માંગણી છે. નોંધનીય છે કે આ પ્રસંગે ખેડા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...