• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Child Abandoned By The Virgin Mother Passed Through The Hands Of Three Other Women And Reached The Threshold Of The Orphanage

અનાથને અન્યાય:કુંવારી માતાએ ત્યજેલું બાળક અન્ય ત્રણ મહિલાના હાથમાંથી પસાર થઇ અનાથાશ્રમના ઉંબરે પહોંચ્યું

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીની મીતા શાહ, જસદણની નર્સ અને બાળકને જન્મ આપનાર કુંવારી માતા નડિયાદ પોલીસમાં હાજર થઇ.
  • જસદણની ખેતમજૂર કુંવારિકાને જન્મેલું બાળક નર્સ રશ્મિકાએ લીધું, તેની પાસેથી બોડેલીની વેપારી પત્ની મીતા શાહે લઇ વડોદરાની હેમા સંઘાણીને સોંપ્યું હતું

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ બહાર તરછાયેલા બાળકની ઘટનામાં આખરે બાળકની માતાની ઓળખ થઈ ગઈ છે. વડોદરાની આધેડ હેમા સંઘાણીને બાળક આપનાર બોડેલીના મીતા હસમુખભાઈ શાહ આજે નડિયાદ પશ્ચિમ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેથી આ સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

જસદણની 20 વર્ષિય યુવતીએ પોતાના નવજાત શિશુનો અસ્વીકાર કરતાં તે જસદણની નર્સ થકી બોડેલીની મીતા શાહ પાસે અને પછી વડોદરાની હેમા સંઘાણી પાસે પહોંચ્યું હોવાની હકીકત સામે આવી છે. હાલ, આ સમગ્ર મામલે નડિયાદ પોલીસે આ ત્રણેય મહિલાને આ મેજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા હતા. જ્યાં તેમની જામીન અરજી મંજૂર થતાં તેઓને જામીન પર મુક્ત કરાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજથી 21 દિવસ પહેલા નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમ બહાર દોઢ માસનું બાળક કોનું તેનો જવાબ બોડેલીના વેપારીની પત્ની મીતાબેન શાહ પાસે હોવાથી પોલીસ તપાસ અટકી પડી હતી. પરંતુ આજે તેમણે બાળકની કુંવારી માતા અને નર્સ રશ્મિકાબેન સાથે નડિયાદ પશ્ચિમ પોલીસ સમક્ષ હાજર થઈને તમામ હકીકત જણાવી હતી.

મીતાબેન શાહે પોલીસને જણાવ્યું છે કે, મૂળ મધ્યપ્રદેશની અને હાલ જસદણમાં રહી ખેત મજૂરી કરતી 20 વર્ષિય યુવતીને પ્રેમ સંબંધ દરમિયાન ગર્ભ રહ્યો હતો. પ્રસૂતિ પીડા ઉપડતા યુવતીને જીપમાં હૉસ્પિટલ લઈ જતી વખતે જ તેની પ્રસૂતિ થઈ ગઈ હતી. જે બાદ યુવતીના માતા-પિતા તેને રામાણી હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા.

જ્યાં તેમની મુલાકાત નર્સ રશ્મિકાબેન ગુજરાતી (રહે.જસદણ, ગંગાસાગર સો.સા) સાથે થઈ હતી. યુવતીના માતા-પિતા સાથે વાત કરતા તેમણે દીકરીની હકીકત જણાવી હતી. સાથે જ તેમને આ બાળક ના જોઈતું હોવાનું કહીને તેને બીજા કોઈને આપી દેવાની વિનંતી કરી હતી.

આ ઘટના બાદ રશ્મિકાબેને એક વર્ષ પહેલા તેમના સંપર્કમાં આવેલા બોડેલીના મીતાબેન શાહને આ અંગે વાત કરી હતી. જેમણે પોતાની મિત્રને બાળકની જરૂર હોવાનું કહીને આ બાળક લઈને વડોદરાના હેમાબેન સંઘાણીને આપ્યું હતું. હેમાબેન પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યા બાદ એકલતા દૂર કરવા માટે આ બાળકને મિત્ર મીતાબેન પાસેથી લીધુ હતું.

પરંતુ બાળકના મેડીકલ ચેકઅપ દરમિયાન તેના હદયમાં કાણું હોવાનું જાણવા મળતાં તે ડરી ગયા હતા. તેમજ તેમની પાસે બાળકની સારવાર માટે પૈસા ન હોવાથી તેમણે મીતાબેનના પતિ હસમુખ શાહની મદદથી આ બાળકને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમ બહાર છોડી દીધુ હતું.

આ સમગ્ર ઘટનામાં ક્યાંય પૈસાની લેવડ-દેવડ થઈ નથી
આ કેસના તપાસ અધિકારી અને PSI ડી.બી દેસાઈએ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં ક્યાંય પૈસાની લેવડ-દેવડ થઈ નથી. જસદણની કુંવારી મા બનેલી યુવતીને બાળક જોઈતું નહોતું અને વડોદરાના હેમાબેનને એકલતા દૂર કરવા બાળક દત્તક લેવું હતું. જેથી મીતાબેને રશ્મિકાની થકી બાળક મેળવીને મિત્ર હેમાની મદદ કરી હતી.- : ડી.બી દેસાઈ, PSI

આ બાળક મારું છે, પણ મારે નથી જોઈતું: બાળકની માતા
આજે નડિયાદ પોલીસ સમક્ષ હાજર થયેલી બાળકની માતાએ પોલીસે જણાવ્યું હતું કે, ખેતીકામ દરમિયાન તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો અને આ બાળક પણ તેનું જ છે પરંતુ તેને જોઈતું નથી. એટલે તેને આ બાળક નર્સ રશ્મિકાબેનને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...