આખું ગામ હીબકે ચડ્યું:શહીદ જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો, એક કિ.મી. લાંબી અંતિમયાત્રા નીકળી

નડિયાદએક મહિનો પહેલા
હરીશસિંહ રાધેસિંહ પરમારના મૃતદેહને વતન લવાયો.
  • આર્મી જવાનના પાર્થિવદેહને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ અને ત્યાંથી વતનમાં લવાયો
  • યુવાનીના ઊંબરે ઊભેલા આર્મી જવાને દેશ માટે શહાદત વહોરી લીધી
  • મૃતદેહ વતનમાં લવાતાં આખા ગામ સાથે પંથક હીબકે ચડ્યું
  • માતા-પિતાએ મોટો દીકરો, નાના ભાઈએ મોટા ભાઈનો સથવારો ગુમાવ્યો

કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાનનો પાર્થિવદેહ આજે વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. જવાનના અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી. લગભગ 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. જ્યારે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના પાર્થિવદેહને જ્યારે કપડવંજથી ગામડે લવાયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા સાથે દુઃખમાં સહભાગી બન્યા છે. સમાજના અગ્રણીઓ સહિત વણઝારીયા ગામના તમામ લોકો અને આસપાસના ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન હરીશસિંહની સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી
કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા છે. આ વાત વાયુ વેગે હરિશસિંહના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ અને પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. તો પરીવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.

આર્મી જવાને ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું
કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો માટે તે પોતાનું શિક્ષણ પુરુ કરી આર્મીમાં જવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષ 2016માં આર્મીમાં સિલેક્શન થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું. આર્મી જવાનના માતા પિતા સહિત ભાઈ રાજી થઈ ગયા હતા. યુવાનની પહેલી પોસ્ટીંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી.

જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ હતી
વણઝારીયા ગામના યુવાને શહીદી વહોરી લીધાના સમાચાર વાયુવેગે જવાનના મિત્ર વર્તુળ અને સમાજમાં પ્રસરતાં સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. જવાનના ઘર બહાર હૈયા ફાટ આક્રંદ જોવા મળી રહ્યો છે. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે.

વણઝારીયા ગામમાંથી યુવાનો ભારતીય સૈન્યમાં જોડાવવા પ્રયાસ કરી રહ્યા છે
ગામના અગ્રણીએ જણાવ્યું છે કે આશરે 2500ની વસ્તી ધરાવતું આ વણઝારીયા ગામમાંથી હાલ 5 જેટલા નવયુવાનો ભારતીય સૈન્યમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવે છે. જ્યારે 25થી 30 જેટલા યુવકો ભારતીય સૈન્યમાં જોડાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેઓના મિત્રોએ જણાવ્યું છે કે તેઓ જ્યારે રજાઓમાં માદરે વતનમાં આવે ત્યારે અહીંયાના યુવાનોને ખાસ ફીઝીકલ રીતે આર્મીમાં જોડાવવા તૈયાર કરતાં હતા.

જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા
આ જવાનના શોકમાં પુરેપુરો જિલ્લો શોકમગ્ન છે. ત્યારે દેશ પ્રેમીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ગામમાં રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશ કાજે બલિદાન આપનાર વીર શહીદ હરીશસિંહજી પરમારને મહેમદાવાદના સોજાલીના ગ્રામજનોએ કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગામના આશાપુરા માતાજીને મંદિરે સૌ ગ્રામજનો એકઠા થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ સિવાય અનેક ગામોમાં આ વિર શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે.

શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે.

દેશની રક્ષા કરતા સૈનિકો બલિદાન આપી દે છે, વણઝારીયાના હરીશસિંહે પણ સહાદતનો માર્ગ અપનાવ્યો
ગુજરાત માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આપણા દેશની ભારતીય સેનાએ વારંવાર પરાક્રમો કરી બતાવી દુશ્મનોને ધુળ ચટાડી છે. એક સૈનિક બનવા પાછળ યુવાનો ખુબ મહેનત કરે છે, અને દેશની રક્ષા કરવા બલિદાન આપી સહાદતને સ્વીકારે છે. એવું જ પરાક્રમ કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના યુવાને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. ત્યારે સૈનિકનું સ્વમાન જાળવવા હજારોની ભીડે શહીદને સલામી આપી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમોએ પણ હાજર રહી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક આપ્યું હતું. અહીં ગુજરાત માજી સૈનિક સંગઠને હાજર રહી જનતાની મદદ માંગી વીરશહીદના પરિવારને રૂ.85 હજારની આર્થિક મદદ કરી હતી.

શહીદવીર હરિશસિંહ પરમારને 50 હજાર લોકોની અશ્રુભીની વિદાય
મહત્વની વાત છે કે અમદાવાદથી સવારે 6.35 વાગ્યે નિકળેલા હરીશસિંહ પરમારના પાર્થિવ દેહને કપડવંજ પહોંચતા 2 કલાક લાગ્યા હતા. પરંતુ શહીદના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમવિધિમાં જોડાવા માટે ઉમટી પડેલા 50 હજાર કરતા વધુ જનમેદનીના કારણે તેઓની અંતિમ યાત્રાને કપડવંજથી વણઝારીયા સુધી 7 કિમી પહોંચતા 5 કલાક જેટલો સમય થયો હતો. જેના કારણે 8.30 વાગ્યે કપડવંજથી નિકળેલ અંતિમ યાત્રા બપોરે 1.30 વાગ્યે વણઝારીયા ગામે પહોંચી હતી. અહીં શહીદના પરિવારજનોને હરીશસિંહનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો. જેઓના અંતિમ દર્શન કરતા પરિવારજનોની આખો આંસુથી છલકાઈ ગઈ હતી. ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર માટેની તમામ તૈયારીઓ અગાઉથી જ કરી દીધી હતી. પરંતુ 2500ની વસતીવાળા ગામમાં ઉમટી પડેલા હજારોની જનમેદનીને કારણે બપોરે 3.30 વાગ્યે શહીદના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આજની આ અંતિમયાત્રામાં રાજકીય મહાનુભાવો જોડાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...