તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોષ:કપડવંજમાં ટ્રાફિકનો પ્રશ્ન ઠેરનો ઠેર, રજૂઆતો કરાઈ પરંતુ કાયમી ધોરણે કોઈ ઉકેલ નહી આવ્યો હોવાનું સ્થાનિકનો આક્ષેપ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકની સાથે સાથે રીક્ષા શટલીયા દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ થતા સ્થાનિકોમાં આક્રોષ

સમગ્ર દેશમાં ટ્રાફિકની એક વિકટ સમસ્યા છે. ખેડા જિલ્લાના મુખ્ય મથકથી લઇ તાલુકા મથકોએ આ સમસ્યા એક પ્રશ્ન બની ગયો છે. તાલુકા મથક કપડવંજમાં પણ આ સમસ્યા ઠેરની ઠેર છે. ઉપરાંત શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ પણ ફુલી ફાલતાં નગરજનોએ આ અંગે તંત્રને રજૂઆત કરી છે. પણ કાયમી ધોરણે કોઈ ઉકેલ નહી આવ્યો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

કપડવંજમાં આવેલ કુબેરજી ચોકડીથી દાણા અનારા જવાના રસ્તે કુબેરજી મહાદેવના રસ્તા પર લારી-ગલ્લા અને શટલીયા રિક્ષાઓને લીધે ભારે દબાણ થવાથી આવતા જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે.

કપડવંજમાં કુબેરજી મહાદેવ પાસે આવેલ કુબેર નગર સોસાયટીના ચેરમેન પ્રહલાદભાઈ પટેલ અને કારોબારી સભ્ય વિજયભાઈ પટેલ સહીત સોસાયટીના રહીશોએ કપડવંજના પ્રાંત અધિકારીને લેખિતમાં જણાવ્યું છે કે કુબેરજી ચોકડી કુબેરજી મહાદેવ સુધીના વિસ્તારમાં મંદિર, મસ્જિદ, દવાખાના અને સોસાયટી આવેલ છે આ 500 મીટરના વિસ્તારમાં શાકભાજીની લારીઓ ગલ્લા અને શટલિયા રીક્ષાઓનો ત્રાસ છે. આ રોડ પર થી મંદિરના દર્શનાર્થીઓ, દર્દીઓ, સોસાયટીના રહીશો અને ગામડેથી આવતા લોકોને આ લારીઓ અને શટલીયાઓને કારણે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. અગાઉ આ જગાએ લોકો અકસ્માતમાં ઘાયલ પણ થયા છે અને મૃત્યુ પણ થયેલ છે. જેના પગલે હાલાકીઓનો ભોગ બને છે.

ગેરકાયદેસર કૃત્યો તેમજ પ્રવૃત્તિઓ અંગે રજૂઆત કરી

કપડવંજના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક કુબેરજી મહાદેવ રોડ ઉપર આવેલી કુબેરનગર સોસાયટીના રહીશોએ કપડવંજના રેવન્યુ તથા પોલીસ અધિકારીઓ અને સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરીને કપડવંજ શહેરમાંથી પસાર થતા કુબેર ચોકડીથી દાણા રોડ સુધી રસ્તા ઉપર ટ્રાફિક જામ તેમજ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા રીક્ષા અને શટલિયા તથા તેઓના દ્વારા વધી રહેલા ગેરકાયદેસર કૃત્યો તેમજ પ્રવૃત્તિઓ અંગે રજૂઆત કરી છે. આ દુષણ દૂર કરવા અનુરોધ કરાયો છે.

અગાઉ જેવી જ પરિસ્થિતિનું સર્જન થતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું

રોડ ઉપર મંદિર-મસ્જિદ તથા હોસ્પિટલો અને સોસાયટીઓ આવેલી હોવાથી સામાન્ય જનતાને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. ઉપરાંત અહીંયા વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે. તેથી તેના ઉપર અંકુશ લાવવા માટે સંબંધિત સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી છે. સાથે આ ફુલીફાલેલા દુષણો દૂર કરવા સત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અને ટ્રાફિક નિયંત્રણ માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ અગાઉ જેવી જ પરિસ્થિતિનું સર્જન થતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. કાયમી ધોરણે આ પરિસ્થિતિનો ઉકેલ આવે તેવી માંગ પ્રબળ બની છે.

અનેક રજૂઆતો છતાં નિવારણ કેમ આવતું નથી
આ કોરોનાની મહામારીના વિકટ સમયમાં શાકભાજી વાળા અને રિક્ષાવાળા લાઈનસર ટ્રાફિક જામ થાય તેવી રીતે અને સરકારની ગાઇડ લાઇન અને સોશિયલ ડીસ્ટનસનું કોઇ પાલન ન થાય તેવી રીતે ઉભા રહે છે. આવા સંજોગોમાં સોસાયટીના રહીશો તથા દવાખાને આવતા લોકો અને મંદિરના દર્શનાર્થીઓને કોરોના સંક્રમણ થવાનો ભય રહે છે. માટે આ દબાણની મુશ્કેલીઓ દૂર કરવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાય તેવી અમારી રજૂઆત છે. આ અગાઉ પણ અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆતો થઈ છે છતા પણ કોઈ પરિણામ આવતું નથી

અન્ય સમાચારો પણ છે...