બાળક ત્યજી દેવાનો મામલો:નડિયાદમાં બાળક ત્યજી દેવાની ઘટનામાં બાળક દત્તક લીધું હોવાનું મહિલાનું રટણ, પોલીસ ઢાંકપીછોડો કરતી હોવાની અટકળોએ જોર પકડયું

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને કાયદાકીય દત્તક લેવા માટે દોઢ વર્ષ ઉપરાંતનો સમય વિતે છે તો કઈ રીતે બાળક દત્તક લીધું?

ખેડા જિલ્લામાં બાળકોને ત્યજી દેવાની ઘટના, બાળ વેચાણ રેકેટ જેવી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં જ બાળક ત્યજી દેવાની ઘટનામાં બાળકને ત્યજનાર મહિલાને ઝડપી લેવાઇ હતી. જોકે, આ મહિલાને જામીન મળી જતાં તે છૂટી ગઈ હતી. તેના નિવેદનમાં તેણે આ બાળકને દત્તક લીધું હોવાની કબૂલાત કરી પરંતુ કોઈ આધાર પુરાવા રજૂ કરી શકી નહોતી. તો જેની પાસેથી આ મહિલાએ બાળક મેળવ્યું તે મહિલા પોલીસ પક્કડથી દૂર છે માટે આ કેસમાં પોલીસ ભીનું સંકેલી લેવાની અટકળોએ જોર પકડયું છે.

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દ્વાર પાસે બુધવારની રાત્રે કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું વ્હાલ સોયું દોઢ માસનું બાળક ત્યજી દેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે ટેકનીકલ ક્લુના આધારે તપાસ કરતાં સમગ્ર કેસનો પર્દાફાશ થયો હતો. જેમાં અહીંયા બાળકને મૂકી જનાર મહિલા હેમાબેન હિમાંશુ સંઘાણી (રહે. વડોદરા)ની પોલીસે ધરપકડ કરી હતી.

આ બાળકને તરોછોડ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણીએ આ બાળક પોતાની બહેનપણી મીતાબેન (રહે. બોડેલી)ના માધ્યમથી દત્તક લીધું હોવાનું કેફિયત કબૂલી હતી. તો બીજી બાજુ પોલીસે બોડેલીની સ્થાનિક પોલીસને જાણ કરી આ ઘટના અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો, પરંતું આ મહિલા તેના ઘરેથી નહી મળી આવતા પોલીસ આ કેસમાં કોઈ નક્કર પુરાવા આરોપીઓ પાસેથી કાઢી શકી નથી. તો બીજી બાજુ આ પકડાયેલી મહિલાને પણ જામીન મળી જતાં કેસમાં ઢાંકપીછોડો થતો હોવાની અટકળોએ જોર પકડયું છે.

વળી બીજી બાજુ કાયદાકીય રીતે બાળકને દત્તક લેવું હોય તો જે તે અરજદારને લાંબી લચક પ્રોસેસમાંથી પસાર થવુ પડે છે અને આ તમામનો સમય લગભગ દોઢ વર્ષથી વધુ વીતી જાય છે ત્યારે બાળકને દત્તક મેળવી શકાય છે. તો આ પ્રકરણમાં આ પ્રશ્ન પણ વધુ પેચીદો બનતા બાળ વેચાણ થયાનું પણ આશંકાએ જોર પકડયું છે. આ તમામ બાબતો વચ્ચે પોલીસની તપાસમાં શુ આવે તે જોવું રહ્યું.

આ ઘટના સંદર્ભે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત મહિલા બાળક દત્તક લેવાનું કહી રહી છે પણ સામે વાળી પાર્ટીએ કાગળો નહી આપતાં મામલો પેચીદો બન્યો છે. જેની પાસેથી બાળક લીધું તે મહિલા હાલ પોલીસ પક્કડથી દૂર હોવાથી તેની અટકાયત કરાયા બાદ જ આ કેસની સંપૂર્ણ કડીઓ હાથમાં લાગશે તેમ જણાવ્યું છે. અગાઉ હેમાબેને આ બાળકને સારવાર પણ કરાવી હતી જેનો લગભગ ખર્ચ 1 લાખ થયો હતો. પરંતુ જન્મજાતથી જ હદયની તકલીફ હોવાથી અને બીજી બાજુ દત્તકના કાગળો નહોવાને કારણે આમ કર્યું હોવાનું જણાવ્યું છે.

પોલીસ વિવિધ મુદ્દાઓની ઊંડી તપાસ ન કરી જેમ કે બાળક દત્તક લીધું તેમ મહિલાએ કહેતા પોલીસે માની લીધું. આ બાળકને જેની પાસેથી દત્તક લેવામાં આવ્યું તે મહિલાની પણ પોલીસ અટકાયત કરી નથી. પોલીસ જણાવી રહી છે દત્તક આપનાર મહિલા હાલ બહારગામ ગઈ છે જો પોલીસ ધારે તો આ મહિલાને પકડી શકે અને તેના નિવેદનો લઈ શકે એમ છે પણ આ કેસમાં ક્યાંક ભીનું સંકેલાયું હોવાની વાતો વહેતી થઈ છે. આ સમગ્ર પ્રશ્નો પર પડદો પડી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...