વિવાદ:નડિયાદમાં મૃતદેહ દફનાવવા મુદ્દે હોબાળો થતાં પરિસ્થિતિ તંગ બની, પોલીસની દરમિયાનગીરીથી અંતે મામલો થાળે પાડ્યો

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જેની સામાન્યજન માનસ પર પણ ઘેરી અસર પડી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ટપોટપ દર્દીઓ મૃત્યુ પામી રહ્યાં છે. જોકે, તેના અંતિમ સંસ્કારને લઇ વિવાદ ઉભો થઇ રહ્યો છે. સોમવારના રોજ શહેરના કબ્રસ્તાનમાં બે કોરોનાગ્રસ્ત મૃતદેહની દફનવિધી સમયે નજીકના રહિશોએ વિરોધ કરતાં તંગદીલી વ્યાપી હતી. આ ઘટનાને પગલે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 

નડિયાદ શહેરમાં કોરોનાના વધી રહેલા કેસના પગલે પ્રજામાં છૂપો ભય ઊભો થયો છે, જેની અસર કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કારમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં રવિવારના રોજ મુસ્લીમ દર્દીનું મોત થતાં તેને કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. બાદમાં સોમવારના રોજ વધુ બે દર્દીના મોત નિપજતાં તંત્ર તેમની પણ દફનવિધિ માટે  તંત્ર પહોંચ્યું હતું. જોકે, આ સમયે કબ્રસ્તાનની નજીક ખાડવિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો હતો અને કબ્રસ્તાનની દિવાલ પર ચડી મૃતદેહને બીજી જગ્યાએ દફન કરવા માગણી કરી હતી. આ હોબાળા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટાઉન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો. જોકે, આ ઘટનાના પગલે મામલતદાર પી.એ. ખ્રિસ્તી પણ પહોંચ્યાં હતાં અને તેઓએ કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી બીજા છેડે દફન વિધિ કરી હતી.

નડિયાદમાં કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારને લઇને છેલ્લા ચાર દિવસથી વિવાદ ચાલી રહ્યો છે 
નડિયાદ શહેરમાં કોરોના સંક્રમણ ગંભીર બની ગયું છે, જેમાં મૃત્યુ આંક પણ વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 17 દર્દીના મોત થઇ ચુક્યાં છે. જોકે, હવે તંત્ર માટે ગાઇડ લાઇન મુજબ કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહની અંતિમવિધિને લઇને પડકાર ઉભો થયો છે. છેલ્લા ચાર દિવસમાં જીઆઈડીસી સ્મશાન બાદ કબ્રસ્તાનમાં પણ દફનવિધિને લઇને વિવાદ ઊભો થયો છે. 

અન્ય સમાચારો પણ છે...