ઝગમગાટની તૈયારીઓ:નડિયાદના સંતરામ મંદિર દેવદિવાળી પર્વ નિમિત્તે સવા લાખ દીપમાળાઓથી સજી ઉઠશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી સાંજે જય મહારાજના જય ઘોષ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે
  • 12 ડબ્બા તેલ, 4 ડબ્બા દિવેલ અને મીળના કોડિયાનો ઉપયોગ થશે
  • સંતરામ દેરી ખાતે પણ 25મી નવેમ્બરે રોશની કરાશે

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વની તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. મંદિરમાં સમી સાંજે હજારોની સંખ્યામાં દીપમાળાઓની હારમાળાથી સજી ઉઠશે. આ સમયે જય મહારાજના નાદ સાથે અલ્હાદક વાતાવરણ જોવા મળશે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવનાર છે. શુક્રવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવનાર છે. આ પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. સ્વયંમ સેવકો સહિત શ્રધ્ધાળુઓ હાજર રહેશે. ભજન મંડળીઓ દ્વારા ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવશે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

ભજન મંડળીઓને રમઝટ જામશે

આ અંગે સંતરામ મંદિરના પૂ. નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે દર વર્ષે જે રીતે દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે તે રીતે પ્રગટાવવામાં આવશે. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવવામાં આવશે. આમ તો આ દિવસ કોઈ ખાસ કાર્યક્રમ નથી હોતો. પરંતુ ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

તેલ, દિવેલ તથા મીળના કોડિયાથી મંદિર ઝગમગી ઉઠશે

મંદિરના સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ દેવદિવાળીના પર્વ પર પર લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે. જેમાં લગભગ 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ થનાર છે. મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવાઓ સજી જય મહારાજ લખાશે. જેની તૈયારીઓનો પણ આખરી ઓપ આપી દેવાયો છે.

સંતરામ દેરી ખાતે પણ 25મી નવેમ્બરે રોશની કરાશે

સંતરામ દેરી ખાતે પણ દેવદિવાળી બાદ આવતાં પ્રથમ ગુરુવારે દીપમાળાઓથી સજી ઉઠશે. અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી નવેમ્બર ગુરુવારના દિવસે સમી સાંજે ભવ્ય દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. આશરે 15થી 16 હજાર દીપમાળાઓથી સંતરામ દેરી સજી ઉઠશે. જેમાં 5થી 6 ડબ્બા તેલના વપરાશ થાય છે. યોગાનુયોગ આ દિવસે પૂ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ પણ છે.

અન્ય સમાચારો પણ છે...