માંગણી:ડાકોરમાં ઠાકોરની રથયાત્રા માટે મંજૂરી મંગાઈ, ટેમ્પલ કમિટીએ મામલતદારને પત્ર લખ્યો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ગાઇડલાઇન સાથે રથયાત્રા નગરચર્યા માટે નીકળે એવી મંજૂરી મંગાઇ

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રથયાત્રા નગરચર્યા માટે વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે. ડાકોર મંદિર પ્રશાસન દ્વારા આ રથયાત્રા ઉજવવામાં આવે તે માટેની માંગણી કરાઈ છે.

સુપ્રસિધ્ધ રણછોડજી મંદિર ડાકોરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા તહેવાર ઉજવાય તેવુ ભક્તો તથા મંદિર પ્રશાસન ઇચ્છી રહ્યું છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા નગરચર્યા માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં સરકારની ગાઇડલાઇનનું પાલન સાથે આ રથયાત્રા નગરચર્યા માટે નીકળે તે હેતુસર વહીવટી તંત્ર સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે.

ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા સહિત મામલતદારને આ અંગે ડાકોર ટેમ્પલ કમિટીએ પત્ર લખ્યો છે. આગામી 11મી જુલાઈએ ડાકોર રણછોડજી મંદિરમાં 249મી રથયાત્રાનો પાવન પર્વ ઉજવાશે કે નહી અને શ્રીજીની નગરચર્યા નીકળશે કે નહીં તે બાબતે સૌ કોઈની મીટ મંડાઈ છે. પુષ્ય નક્ષત્ર પ્રમાણે ડાકોર રણછોડજી મંદિરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના બાધા રૂપ બન્યો હતો ત્યારે આ વખતે સરકાર અને તંત્ર કઈ દિશામાં પગલાં લે તે જોવું રહ્યું.

આ અંગે મંદિર મેનેજર અરવિંદભાઈ મહેતા સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મંદિરમાં વર્ષો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ રથયાત્રા કરવા સરકારી તંત્ર પાસે મંજૂરી માંગી છે. આ અંગે હજુ કોઈ ચોક્કસ પ્રત્યુત્તર મળ્યો નથી. સરકારના દિશા નિર્દેશ મુજબ મંદિર મેનેજમેન્ટ કમિટી રથયાત્રા અંગે નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...