તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ કામગીરી:ઓનલાઇન શિક્ષણમાં ગામડાઓના બાળકો પાછળ ન રહે તેવા આશયથી મહેમદાવાદના છાપરાના શિક્ષકની અનોખી પહેલ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા'. ઉક્તિને સાર્થક કરતાં છાપરાના શિક્ષક વિશાલભાઈ પારેખ
  • છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકે 102 વિધાર્થીઓને ભણવા માટે TV આપ્યા

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાત આપણે અવારનવાર સાંભળી જ હોય છે. પણ આજે આપણે એવા શિક્ષકની વાત જાણીશું એ જાણી તમે પણ કહેશો કે ખરેખર શિક્ષક કોઈ સાધરણ વ્યક્તિ નથી. દેશના ભવિષ્ય માટે એ કંઇપણ કરી છુટે એમ છે‌. કોરોનામાં છેવાડાના ગામોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકનો અનોખો સેવા યજ્ઞ કહી શકાય એમ છે. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ' ચાણક્યની આ ઉક્તિ ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનું ભગીરથ કાર્ય ખેડા જિલ્લાના શિક્ષક વિશાલભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે.

બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં સમસ્યા આવી

ગયાં વર્ષે અચાનક કોરાનાની મહામારી આવી જેના કારણે શિક્ષણ કાર્ય પણ અટકી ગયું ત્યારે ઓનલાઇન શિક્ષણ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા બાળકો ઘરે બેસીને ભણી શકે એ માટે ટીવી ચેનલો ઉપર પણ શિક્ષણકાર્ય કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે એક સમસ્યા એ પણ હતી કે, ગામડાના ગરીબ પરીવારો પાસે ટીવીનો અભાવ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં સમસ્યા આવી રહી હતી. અને બાળકો શિક્ષણથી વંચિત રહી જતાં હતાં. ત્યારે છાપરાના શિક્ષક વિશાલભાઈ પારેખને આ બાબત ધ્યાનમાં આવતાં તેમણે એક અભિયાન ઉપાડયું અને ટીવી એકત્ર કરવાનું કામ ચાલું કર્યું એમાં ઘણા બધાનો સાથ સહકાર માર્ગદર્શન મળ્યાં અને આ સેવાકાર્ય એટલુ આગળ વધ્યું કે આજે 102 ટીવી અંતરીયાળ વિસ્તારના બાળકોને આપ્યાં, ફક્ત ટીવી જ નહીં પણ સાથે ડીશ કનેક્શન પણ કરી આપ્યું હતુ. જેથી બાળકો ટીવી પર આવતાં શિક્ષણ સંબંધી કાર્યક્રમ નિહાળી શકે.

પ્રેરણા ક્યાંથી મળી?

કોરોના મહામારીની શરૂઆત આપણા ભારત દેશમાં લગભગ માર્ચ મહિનાથી થઈ હતી. ત્યારથી સમગ્ર ભારતમા સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં શાળાઓ આંશિક રીતે ખૂલવાની શુભ શરૂઆત થઈ ગઈ હતી. કોરોના કાળના આ વિપરીત સમયમાં બાળકોને શાળાએ ના બોલાવવાના હોવાથી બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું એ પણ ખુબજ મુશ્કેલ હતું. રાજય સરકાર દ્વારા આ મહામારીના સમયમાં હોમલર્નિંગ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને સ્માર્ટફોન, ટી.વીના માદયમથી શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. પણ ગામડામા લોકોની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાથી સ્માર્ટફોન તથા ટી.વી. દરેક વ્યક્તિ પાસે ઉપલબ્ધ ન હતું.

સૌપ્રથમ ટીવીનું દાન મારા મિત્ર અને દાતા એવા ગૌતમભાઈ તરફથી આપવામાં આવ્યું

તારીખ 15 જૂન 2020ના રોજથી ટી.વી પર ડી.ડી ગિરનાર ચેનલ પર શૈક્ષણીક કાર્યક્રમો પ્રસારિત થવાની શરૂઆત થઈ હતી. વિશાલભાઈએ જણાવ્યું હતું કે, છાપરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા ધણા બાળકોના ઘરે ટી.વી ન હોવાથી તેઓ આ શિક્ષણ કેવી રીતે મેળવશે તેવો વિચાર મારા મનમાં આવ્યો હતો. મને એમ થયું કે મારા ગામના અને મારી શાળાના બાળકો, કે જેમની પાસે ટીવી નથી તેઓ કઈ રીતે ભણશે ? મારા મનમાં મે નક્કી કરી લીધું હતું કે હું મારી શાળાના બાળકોનું શિક્ષણ બગડવા નહીં દઉં. સૌપ્રથમ ટીવીનું દાન મારા મિત્ર અને દાતા એવા ગૌતમભાઈ તરફથી આપવામાં આવ્યું. ત્યારબાદ ડીશ કનેક્શન મારુ પોતાનું આપીને ગામમાં પહેલું ટીવી મૂકી દીધું હતું. ત્યારબાદ આ વાત મે મારા મિત્રો તથા અન્ય દાતાઓને કરી હતી. બધા તરફથી મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને આ સેવાકાર્ય આગળ વધ્યું હતું.

વિવિધ સાધનો હોમલર્નિંગ માટે બાળકોને ભણવા માટે આપ્યા

દાતાઓના સાથ સહકારથી છાપરા પ્રા.શાળાના બાળકોના ઘર ઉપરાંત કતક્પુરા, ઇયાવા, ગબાજીના મુવાડા, વિરોલ, સમસપુર, આમસરણ, સિંહુજ, મોદજ, નેનપુર જેવા ઘણાં આસપાસના ગામના અલગ અલગ વિસ્તારોમાં 102 ટીવી, 17 કરતાં પણ વધારે ડિશ કનેક્શન, 2 લેપટોપ, 1 કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન જેવા સાધનો હોમલર્નિંગ માટે બાળકોને ભણવા માટે આપ્યા છે.

ઓનલાઇન શિક્ષણમાં બાળકો પાછળ ન રહે તેવા આશયથી આ પહેલ કરાઇ

વિશાલભાઈએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણમાં ગામડાઓના બાળકો પાછળ ન રહે તેવા આશયથી આ એક પહેલ કરવામાં આવી છે. બાળકોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સમાજનો સાથ સહકાર લેવાના પ્રયત્નો થકી વર્તમાન મહામારીના સમયને ધ્યાનમાં રાખીને બાળકો શિક્ષણથી સતત જોડાયેલા રહે તે માટે હોમ લર્નિંગને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે બાળકોને ટીવી, ડીશ એન્ટેના, સ્માર્ટફોન, લેપટોપ વગેરે સામગ્રી દાન થકી પૂરી પાડીને ગુજરાતી ભાષા ઉપરાંત બાળકોમાં શિક્ષણ પ્રત્યે કોઈ પ્રકારનો અંતર ન વધે તે માટે પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક તબક્કે 10 ટીવીના ટાર્ગેટ સાથે શરૂઆત કરી હતી જે હાલ 102 ટીવી જરૂરિયાતમંદ બાળકો ને દાનના માધ્યમથી પૂરા પાડવામાં આવ્યા છે.

વેકેશન માણવાને બદલે ગામડે ગામડે ફરીને આ અભિયાન આગળ વધાર્યું

આટલેથી નહી અટકતાં તેઓએ તાલુકાના જરૂરિયાતમંદ લોકો સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેમકે કરિયાણું, કપડા, ધાબળા, વાસણો વિગેરે તથા પ્રસંગોચિત જરૂરીયાત વાળા લોકોને જેમકે લગ્ન સહાય, મામેરા સહાય વગેરેમાં નાણાકીય મદદ દાનના માધ્યમથી પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા વિશાલભાઈને અભિનંદન આપવામાં આવ્યા હતા. અને એમની સેવાની નોંધ લેવાઇ હતી. સમગ્ર ટીવી અભિયાનમાં બી.આર.સી.કૉ. ઓર્ડીનેટરશ દીપકભાઈ સુથાર (ખેડા જિલ્લો) દ્વારા પ્રેરણા, માર્ગદર્શન અને સાથે રહી સહકાર આપવામાં આવ્યો હતો. વેકેશનમાં પણ આ શિક્ષકો વેકેશન માણવાને બદલે ગામડે ગામડે ફરીને આ અભિયાન આગળ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...