• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Gandhian Thinker Teacher Of Walla School In Nadiad Is Determined To Make Mother Earth Green, The Barren Lands Of 75 Villages Will Be Made Green.

હરિયાળી ક્રાંતિ તરફ એક કદમ:નડિયાદના વાલ્લા સ્કૂલના ગાંધી વિચારક શિક્ષકે ધરતી માતાને લીલીછમ બનાવવા દ્રઢ સંકલ્પ, 75 ગામની વેરાન જમીનને લીલીછમ કરાશે

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7575 ઔષધીઓના બીજ બોલ બનાવી ચરોતરની ભૂમીને ખૂંદી બીજબોલને નાંખશે
  • આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર પ્રેમની સાથે સાથે પર્યાવરણ પ્રેમ જોવા મળ્યો
  • આ બીજ બોલમાં કુલ 16 જેટલી ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે

ગ્લોબલ વોર્મિંગના કારણે એક બાજુ પર્યાવરણને ખતરો ઉભો થયો છે. વરસાદની અનિયમિતતા, ઉનાળા-શિયાળામાં કમોસમી માવઠું જેવી બાબતો પાછળ આપણે જ જવાબદાર છીએ. પર્યાવરણનું સંતુલન નહી જળવાતા આવી સ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં કોરોના કપરાકાળમાં ઓક્સિજન માટે ભારે તકલીફ ઉભી થઈ હતી. આ સમયે લોકોને પર્યાવરણનું ભાન લાદ્યુ હતું. આઝાદીનો પર્વ નજીક છે ત્યારે એક ગાંધી વિચારક શિક્ષક અને તેમની ટીમે આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ નિમિત્તે 7575 બીજ બોલ તૈયાર કરી નડિયાદ સહિત જિલ્લાના અન્ય તાલુકાના 75 ગામોમાં આવેલ પડતર જમીન પર નાંખવામાં આવશે. જે કામગીરીનો પ્રારંભ મરીડા મૂકામેથી કરાયો છે.

આધુનિક ટેકનોલોજી પાછળ માણસ ગાંડો થયો છે. અને પ્રકૃતિથી વિમુખ થઈ કામ કરી રહ્યો છે. કોરોના કાળમાં ઓક્સિજનની તીવ્ર અછત વખતે સૌ કોઈને જીવનદાતા વૃક્ષોનું મહત્વ સમજાયું છે. એ દિશામાં નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ પા પા પગલી નહીં પણ હરણફાળ ભરી છે. શાળાએ વિવિધ ઔષધીય વનસ્પતિના કુલ 7575 બીજ બોલ તૈયાર કર્યા છે. 15મી ઓગસ્ટના આવતીકાલે ઉજવણી થનાર છે. ત્યારે દેશની આઝાદીના અમૃત મહોત્સવ (75 વર્ષ) ઉજવાઈ રહ્યા છે, તે અંતર્ગત શાળાએ 7575 બીજ બોલ તૈયાર કરી પ્રાણવાયુ આપનાર વૃક્ષોનું જતન, સંવર્ધન સાથે પ્રકૃતિ રક્ષાનો એક પ્રેરક સંદેશ આપ્યો છે.

દોઢ માસની મહેનત બાદ બીજ બોલ તૈયાર થયા
શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે સતત 45 દિવસની ભારે જહેમત કરી જાતે આ બીજ બોલ તૈયાર કર્યા છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ કરણ ભરવાડ, રોહિત ભરવાડ, રણુ ભરવાડ અને અજય ભરવાડ ખૂબ મદદરૂપ બન્યા હતા. આ 7575 વિવિધ બીજ એકત્ર કરવામાં નડિયાદની જે એન્ડ જે સાયન્સ કોલેજના અલ્પેશ પટેલ તથા વિખ્યાત વૈદ્યરાજ નમન જોષી ખાસ સહયોગી બન્યા છે.

બીજ બોલને ઉજ્જડ વેરાન જગ્યાએ પર નાંખવામાં આવશે
વિવિધ પ્રકારના બીજમાં લીમડો, આસોપાલવ, જાંબુ, અર્જુન સાદડ, બોરસલી, ગરમાળો , ખારેક, સિંદુર, શ્રી પર્ણી, તુંબડી, ચણોઠી, આમલી, આંબળા, પુત્રજીવા, વિજયસાર અને આંબો સમાવેશ થાય છે. ખેતરની માટી, ગાયનું છાણ અને ચૂલાની રાખ સાથે પાણી મેળવી ગોળો બનાવી તેમાં વચ્ચે બીજ ખોસી દઈ ફરી આખો ગોળો વાળી સૂકવીને આ બીજ બોલ તૈયાર કરવામાં આવ્યા છે. જે ઉજ્જડ વેરાન જગ્યા, ગૌચરની પડતર જગ્યા, નદી-તળાવ કિનારો કે ભેખડો, કોતરોમાં નાખવામાં આવશે.

શિક્ષકને ક્યાંથી પ્રેરણા મળી
"બીજા માટે આંબો" પાઠમાંથી પ્રેરણા લઈને હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આ બીજ બોલ તૈયાર કર્યા છે. શાળા અને ઘરે સતત 45 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહી હતી. જેનો પ્રારંભ નડિયાદ તાલુકાના મરીડા ગામેથી કરાયો છે. આ પહેલા એક દિવસ અગાઉ નડિયાદના પ્રાથમિક શિક્ષણાધિકારી આર. આર. પરમાર, નડિયાદ બીઆરસી કુલદીપસિંહ રાજ, સાયન્સ કોલેજ-નડિયાદના પ્રાચાર્ય અલ્પેશ પટેલ, વૈદ્યરાજ નમન જોષી ,મરીડાના સરપંચ પી. કે. છાસટિયા, પે સેન્ટર શાળાના નિરવ પંડ્યાની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.

મહાનુભાવોએ શાળાની આ પ્રકૃતિ રક્ષણની પ્રવૃતિને ખાસ બિરદાવી હતી. બીજ બોલ કાર્યશાળામાં સહયોગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ ઉમદા કાર્યને સફળ બનાવવા શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા, શિક્ષિકા નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી, સેજલબેન પંડ્યા, સતીષ પટેલ, નિર્મલ પટેલ, ગામના રામજી મંદિરના મહંત તથા ખેડૂત નિરવ પટેલ ખાસ સહયોગી બન્યા છે.

ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનાર શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની થપાટથી હવે તમામ લોકોએ શીખ મેળવવી જોઈએ. ભૂલ્યા ત્યાંથી પાછા ફરીએ પ્રકૃતિ સાથે નાતો જોડીએ આ સિધ્ધાંતને વળગી દરેકે વ્યક્તિએ વૃક્ષનો ઉછેર કરવો જોઈએ. થોડા માસ અગાઉ મને આ નોખો વિચાર આવ્યો અને તેના પાછળ પડી ગયો બસ રાત દિવસ આ વિચારને સાર્થક કરવા લાગી ગયો અને જેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે બીજબોલને નાખવાની પક્રીયા આરંભી દીધી છે. મે 10 એક દિવસ પહેલા સૌરાષ્ટ્રના રાજકોટ-ગોંડલ રોડ પર લગભગ 50 જેટલા બીજ બોલ ફેક્યા છે. મને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી એવા રાઘવ કટકીયા એ તુંબડી અને સફેદ ચણોઠીના લગભગ 300 જેટલા બીજ વિનામૂલ્યે આપી આ હરીયાળા પ્રોજેક્ટમાં મદદે આવ્યા છે.

પર્યાવરણ પ્રેમી શિક્ષકે અગાઉ પણ પર્યાવરણને બચાવવા પપેટ શો દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ ઉપરાંત રક્ષાબંધને વૃક્ષોનું જતન કરવા વૃક્ષોને રાખી બાંધવા જેવી અનેક પ્રવૃત્તિ કરી છે અને તે તમામ પ્રવૃત્તિઓમાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...