તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:ખેડા જિલ્લામાં રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરી મોબાઇલ તફડાવી રફુચક્કર થતાં 2 લોકો ઝડપાયા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 ચોરીના મોબાઈલ ફોન સાથે અમદાવાદ અને રૂદણના શખ્સની ધરપકડ કરાઈ
  • પોલીસે ટુંડેલ ગામની સીમમાંથી બન્ને ઈસમોને મુદ્દામાલ સાથે દબોચી લીધા

ખેડા જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. સાયબર સેલ પણ આવા ચોરોને પકડી પાડવામાં નિષ્ફળ નીવડી છે. આવા ભેજાબાજ લોકો ચોરીના મોબાઈલને વેચી રેકેટ ચલાવતા હોય છે. આ વચ્ચે ખાસ રીક્ષા ચાલકોને ટાર્ગેટ કરી મોબાઇલ તફડાવી રફુચક્કર થતાં બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે. આ બન્ને ઈસમો પાસેથી ચોરીના 31 મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તમામ મોબાઈલ ફોન ક્યાંથી ચોરી કરી તેની માહિતી આરોપીઓ પાસેથી મેળવી લીધી છે. આમ આ ગુનાનો અંતે ભેદ ઉકેલાયો છે.

વસો પોલીસના માણસો ટુંડેલ ગામની સીમમાંથી પસાર થતાં હાઈવે પર ગતરોજ પેટ્રોલીંગ હતા. દરમિયાન રેલવે ફાટક ઓવરબ્રીજ નીચેથી પસાર થઈ રહેલ એક નંબર વગરના મોટરસાયકલને શંકા જતાં અટકાવ્યું હતું. આ મોટરસાયકલ પર સવાર બે ઈસમોના પોલીસે નામઠામ પુછતાં તેઓએ પોતાના નામ દિલીપ ઉર્ફે દિલો સુખાભાઈ રાઠોડ (ઉ. વ. 21, રહે. ઈસનપુર - વટવા રોડ, અમદાવાદ) અને સંજય ઉર્ફે સંજ્યો રસિકભાઈ સોલંકી (ઉ. વ. 23, રહે. રૂદણ, તા. મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

મોટરસાયકલ પર બે થેલા જોવા મળતાં પોલીસે તપાસ કરતાં તેમાંથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પંચોને બોલાવી ગણતરી કરતા કુલ 31 નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે બાબતે આધાર પુરાવા માંગતા આ બન્ને લોકો રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસને આ મોબાઇલ છળકપટ અથવા તો ચોરીના હોવાની ગંધ આવતાં મુદ્દામાલ સાથે બન્ને લોકોની સીઆરપીસી કલમ 41(1)ડી મુજબ અટકાયત કરી છે.

પોલીસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપી દિલીપ ઉર્ફે દિલો રાઠોડ અને સંજય ઉર્ફે સંજ્યો સોલંકી બન્નેએ જિલ્લામાંથી અને બહારથી અલગ અલગ જગ્યાએથી ધોળા દિવસે મોબાઇલની છળકપટ કરી ચોરી કરેલ હોવાનું કબુલ્યું છે.

કઈ રીતે મોબાઈલોની ચોરી આચરવામાં આવતી

પોલીસની ધનિષ્ઠ પુછપરછમાં આ બન્ને વ્યક્તિઓ રીક્ષામાં બેસી રીક્ષા ચાલકને વાતોમાં ઉલજાવી તેનો ભરોસો મેળવતાં હતાં. આ બાદ સુમસામ જગ્યાએ રીક્ષા ઊભી રખાવી કોઈ બહાનું બતાવી રીક્ષા ચાલકનો ફોન કોલ કરવા લેતા હતાં. વાતો કરતાં કરતા થોડે દૂર પહોંચી મોબાઈલ લઈને પલાયન થઈ જતાં હતા. આ થીયરી પર ચોરીને અંજામ આપવામાં આવતો હોવાનો એકરાર કર્યો છે. આ રીતે ગલ્લાવાળા લારીવાળાની પણ નજર ચૂકવી મોબાઇલોની ચોરી કરતાં હતા. જે બાદ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવાતો હતો.

2019થી ચાલેલા આ ચોરી કૌભાંડનો અંતે ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે મુદ્દામાલની રીકવરી કરવામાં મોટી સફળતા મળી છે. આ અંગે વસોના પોસઈ જે. વી. વાઢીયાએ જણાવ્યું હતું કે આ બન્ને લોકો બસ સ્ટેન્ડ પાસેથી અન્ય જગ્યાએ જવા કોઈ સ્પેશ્યલ રીક્ષા કરતાં, રસ્તામાં આવેલ કોઈ હોટલ કે સુમસામ જગ્યાએ ઉભા રહી મારો મિત્ર આવે છે તેમ રીક્ષા ચાલકને જણાવતાં હતા. આ સમય દરમિયાન મીઠી મીઠી વાતો કરી રીક્ષા ચાલક પાસેથી વાત કરવાના બહાના હેઠળ મોબાઇલ ફોન લઈ દૂર જઈ વાત કરતાં અને આંખના પલકારામાં રફુચક્કર થઈ જતાં હોવાનું જણાવ્યું છે. ખેડા જિલ્લા અને બહારથી આ રીતે અત્યાર સુધી કુલ 31 મોબાઇલ ફોનની ચોરી કરી હતી. જે મુદ્દામાલને રીકવરી કરવામાં પોલીસને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...