તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજની તૈયારી:યાત્રાધામ ડાકોરમાં રથયાત્રાને લઈને થનગનાટ, તડામાર તૈયારીઓ શરૂ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથમાં સમારકામ હાથ ધરવામા આવ્યું

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આગામી અષાઢી બીજના આગળના દિવસે યોજાનાર રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે આ વખતે આ રથયાત્રાની હાલ સુધી મંજૂરી નહી મળતા મંજૂરી માટે ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ મંદિર પ્રશાસન દ્વારા રથની મરામત તથા ચકચકિત કરવાની કામગીરી આરંભી દેવાઇ છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને પગલે બંધ બારણે ભગવાનને ભક્તો વિના ઉત્સવ ઉજવવા પડ્યા છે. ત્યારે હાલ વાતાવરણ હળવું થતાં નજીકમાં આવી રહેલ અષાઢી બીજની રથયાત્રાની રૂટની મંજૂરી મળી રહેશે કે કેમ? તે બાબતે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. ડાકોર મંદિરમાં પણ મંજૂરી માંગવામાં આવી છે પણ હજુ સુધી મંજૂરી નહીં મળતા ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા 249મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 11 જુલાઈએ ડાકોર મંદિરમાં આ પર્વ ઉજવાશે ત્યારે રાજા રણછોડજીના પૌરાણિક રથો જેમાં ચાંદીના બીજા પિત્તળના તેમજ અન્ય કાષ્ટના રથનું મરામત કરવામાં આવી રહ્યું છે. આ રથને ચકચકિત કરવામાં આવી રહ્યા છે. આ રથયાત્રામાં ઉપયોગમાં આવતા અન્ય સાધનો જેવા કે પાલખી 'અંબાડી, સુખપાલ, મેના, જેવા વગેરેની પણ મરામત ચાલી રહી છે.

છેલ્લા 40 વર્ષથી રથયાત્રા માટે શ્રીજીના રથના દરેક સાધનોની મરામત કરતાં કાલસર ગામના ઇન્દ્રવદન મિસ્ત્રી જણાવે છે કે તેઓ રથયાત્રાના પખવાડિયા અગાઉ જ મરામતની કામગીરી આરંભી દે છે. વધુમાં જણાવતાં કહે છે કે આંબલી અને અરીઠાના પાણીથી રથને ચકચકિત કરવામાં આવે છે. વર્ષમાં એકજ વખત ઠાકોરજી ચાંદી અને પિત્તળના રથ પર સવાર થઈને નગરચર્યા માટે નીકળે છે. આ રથયાત્રા બાદ રથના તમામ સ્પાર્ટસ છુટા કરી દેવામાં આવે છે. આગામી વર્ષ સુધી રથ પરની ચાંદી અને પિત્તળની ચમક ઝાંખી થઈ જતાં આ ચમકને પાછી લાવવા અષાઢી બીજના પખવાડિયા અગાઉ જ અમારે તૈયારીઓ કરવી પડે છે.

અત્રેઉલ્લેખનીય છે કે મંદિર પ્રશાસન દ્વારા આ વર્ષે રથયાત્રા કાઢવા માટે સરકાર પાસે મંજૂરી માંગવા આવી છે. પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં અપાતાં મંદિર પ્રશાસન મુંઝવણમાં મુકાયું છે. જો સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે તો કોવિડની ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલન સાથે મંદિરમાંથી ઠાકોરજીની રથયાત્રા પરંપરા મુજબ નીકળશે. અને જો મંજૂરી નહીં મળે તો ગત વર્ષની માફક આ વર્ષે પણ મંદિર પરિસરમાંજ રથ ફેરવી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...