નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ફ્લેટના પાર્કિંગમાં ગત મોડી રાત્રે આગ ની ઘટના બનતા અફરા તફરી મચી ગઈ હતી. શ્રોફનો વ્યવસાય કરતા કાર માલિક ચાર દિવસ પહેલા બહારગામ જઈને આવ્યા હતા, જે બાદ કાર બહાર કાઢી જ નથી. ત્યારે કારમાં આગ લાગી કેવી રીતે તે બાબતે અનેક રહસ્યો ઘેરાયા છે. જોકે કાર કાવતરાના ભાગરૂપે સળગાવાઇ હોવાની આશંકા કાર માલિક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પોલીસ આકસ્મિક ઘટના માં આગ લાગી હોવાનું જણાવી રહી છે. સમગ્ર ઘટના અંગે પશ્ચિમ પોલીસ મથકે જાણવા જોગ નોંધના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રેયસ ગરનાળા પાસે આવેલ ગંગા વિહાર એપાર્ટમેન્ટમાં ગુરુવારે વહેલી પરોઢે આગની ઘટના બની હતી. પાર્કિંગમાં પાર્ક કરેલ સ્વિફ્ટ કાર નં. જીજે.07.વીએન.5011માં અચાનક સાયરન વાગવાનું શરૂ થતા કાર માલિક ઘનશ્યામભાઈ દેસાઈ નીચે દોડી આવ્યા હતા. નીચે આવી જોતા તેઓની કારમાં આગ લાગી હોવાનું નજરે પડ્યું હતું. જો કારમાં બ્લાસ્ટ થાય તો ફ્લેટમાં મોટુ નુકશાન થશે તેવી બીકે તેઓએ બુમાબુમ કરતા ફ્લેટના અન્ય લોકો પણ નીચે દોડી આવ્યા હતા.
જોત જોતામાં આગે એટલું તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ કે કારની આજુ બાજુમાં પાર્ક કરેલ અન્ય બે મોટર સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. ફ્લેટના સ્થાનિકોએ તુરંત નડિયાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી, જેઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં કાર સહિત ત્રણ વાહનો ભસ્મીભૂત થઈ ગયા હતા.
મારી કાર નવી જ હતી અને કોઇ ફોલ્ટ ન હતો
ચાર દિવસથી કાર પાર્કિંગમાં પાર્ક કરેલી છે. કાર નવી હતી, જેથી કોઇ ફોલ્ટ આવવાની પણ સંભાવના ન હતી. કોઇએ કાર સાથે છેડછાડ કરી હશે એટલે જ સાયરન વાગ્યુ હોય. હું ભાગીને નીચે આવ્યો, તો કારના પાછળના ભાગે આગ લાગી હતી. કાર થી પાંચ ફુટ દુર સુધી ડિઝલની ચિકાસ પણ જોવા મળતી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છેકે કોઇએ કારમાં આગ લગાવી છે.- ઘનશ્યામભાઈ દેસાઈ
બહારથી કોઇ આવ્યાનું સીસીટીવીમાં દેખાતું નથી
ઘટનામાં FSL દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છેકે ગાડીમાં પાછળ બગડેલી સોલર બેટરી મુકી રાખી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાની શક્યતા છે. આસપાસના બિલ્ડીંગના કેમેરા તપાસ કર્યા છે, તેમાં બહારની કોઈ વ્યક્તિ ફ્લેટમાં આવતી જોવા મળી નથી. -રમેશભાઈ વણઝારા, પશ્ચિમ પોલીસ
ફ્લેટમાં ભાગદોડ થતા 3ને ઇજા
મોડી રાત્રે અચાનક આગ ની ઘટના બનતા ફ્લેટ માં દોડધામ મચી ગઇ હતી. ફ્લેટના પાર્કિંગમાં પાયા પાસે જ કાર મુકેલી હોય, જો બ્લાસ્ટ થાય તો ફ્લેટને નુકસાન થાય તેમ હતુ. જેથી ફ્લેટના રહીશોને ઉતાવળે નીચે ઉતારવાનો પ્રયાસમાં 3 લોકોને ઈજાઓ થઈ હતી. નીલેશ ભાઈ મિસ્ત્રી, શ્રુતિ રાવ, નિધીબેન બ્રહ્મભટ્ટ નામના 3 વ્યક્તિને પગમાં ફ્રેક્ટર થયા હોવાનું ફ્લેટના રહીશોને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.