કાર્યવાહી કરવા માંગ:વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે TDOને રજૂઆત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

વસોના નવાગામ મુકામે નરેગા યોજનામાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠ્યા બાદ હવે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં પણ મસમોટી ખાયકી થઈ હોવાના આક્ષેપ સાથે ટીડીઓને રજૂઆત થઈ છે. ગ્રામ પંચાયતની જુદી-જુદી ગ્રાન્ટમાંથી 14 જેટલા કામોમાં સરપંચ, ડે. સરપંચ સહિત તેમના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ અરજદારે કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.નવાગામમાં જ રહેતા આશિષકુમાર પટેલ દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરાઈ છે.

જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, નવાગામમાં નરેગાની સાથોસાથ વિકાસના કામોમાં પણ ગોલમાલ કરાઇ છે. સરપંચ કેસરબેન મહીડાનો વહીવટ કરતા તેમના પુત્ર, ડે. સરપંચ મફતભાઈ ભરવાડ અને સરકારી કર્મચારીઓ દ્વારા ગ્રામ પંચાયતને મ‌ળતી વિકાસના કામોની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું અરજીમાં જણાવ્યુ છે. ઉપરાંત 16 કામોની યાદી ટીડીઓ સમક્ષ રજૂ કરી છે, જેમાં ગેરરીતિ કરી હોવાનું જણાવ્યુ છે.

આ કામોમાં મુખ્યત્વે સી.સી. રસ્તા, પેવીંગ બ્લોક, કેટલ શેડના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ ઉઠ્યા છે. આ ઉપરાંત સાંસદ સભ્યની ગ્રાન્ટમાં પણ નાણાકીય ગોલમાલના આરોપ અરજીમાં કર્યા છે. ત્યારે આ સંદર્ભે તાલુકા કક્ષાથી કોઈ તપાસ થાય છે કે કેમ? તે જોવુ રહ્યુ. આ અંગે સરપંચનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે કોલ રીસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...