તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રકના ડ્રાઈવર જ બન્યા ચોર:ખેડાના કાજીપુરા નજીક ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી બે ડ્રાઇવરોએ બે બેરલ મેડીસીયન રોમટરીયલ લિક્વિડ ચોર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બનાવ સંદર્ભે ટ્રકના માલિકે ખેડા ટાઉન પોલીસ મથકે પોતાના બે ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરથી મેડીસીયન રોમટરીયલ લિક્વિડ લઈને અમદાવાદ ખાતે આવતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ટ્રકના બે ડ્રાઇવરોએ જ ચોરી કરતાં ચકચાર મચી જવા પામી છે. ચોરી કર્યા બાદ ટ્રકને ખેડા પંથકમાં બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટ્રકના માલિકે ખેડા ટાઉન પોલીસ મથકે દોડી કુલ રૂપિયા 3 લાખ 4 હજાર 735ના બે બેરલ મેડીસીયન રોમટરીયલ લિક્વિડની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ મેમનગર ખાતે રહેતા 45 વર્ષિય લહેરી શંભુભાઈ ભાનુશાલી પોતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની શહેરના અસલાલી સર્કલ પાસે શ્યામ આઈકોન કોમ્પલેક્ષમાં શ્રી આશાપુરા ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. ગત 7મી જુલાઈ તેમની ટ્રાન્સપોર્ટની ટ્રક નં. GJ 27 TT 5723 લઈને તેમનો ડ્રાઈવર કરણ દિનેશ સોલંકી (રહે.નાયકા, તા.જિ. ખેડા) અંકલેશ્વર ખાતે લક્ષ્યા લોજેસ્ટીક ટ્રાન્સપોર્ટમાં માલ ભરવા ગયો હતો. જ્યાંથી રાત્રે ટ્રકમાં મેડીસીયન રોમટરીયલના 262 દાગીના તેમજ ચાર ડ્રમ ભરીને મેડીસીયન રોમટરીયલ લિક્વિડ લઈને અમદાવાદના ચાંગોદર ખાતે ડીલીવરી કરવા નીકળ્યો હતો.

બીજા દિવસે સવારે ડ્રાઈવર કરણે પોતાના શેઠને ફોન કરીને જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એક વ્યક્તિનું અવસાન થતાં મારે ત્યાં જવું પડશે માટે આ ટ્રક ખેડાના બેટડીલાટ કાજીપુરા પાટીયા પાસેથી આ ટ્રાન્સપોર્ટના અન્ય ડ્રાઇવર રાકેશ રતિલાલ વસાવા (રહે. ભાલીયાપુરા) ને આપીશ, જોકે શેઠ લહેરી ભાનુશાળીએ આમ કરવાની ના પાડી હતી. આમ છતાં કરણે ટ્રાન્સપોર્ટના અન્ય ડ્રાઇવર રાકેશને ટ્રક આપી હતી. જે વાતની જાણ શેઠને થતાં તેઓ ખેડાના કાજીપુરા નજીક તપાસ કરવા આવ્યા હતા.

દરમિયાન તપાસ કરતાં ઉપરોક્ત ટ્રક કાજીપુરા પાસે નહોતી. આમતેમ તપાસ કરતા કરતા અહીંયા નજીક આવેલ ઓરેન્જ હોટલ પાસેથી તેમની ટ્રક બિનવારસી હાલતમાં મળી આવી હતી. બે પૈકી કોઈ ડ્રાઈવર ત્યાં હાજર નહોતા આથી ટ્રક માલિક લહેરી ભાનુશાળીએ પોતાના ટ્રાન્સપોર્ટના અન્ય ડ્રાઈવર અવનીસ ગૌતમને બોલાવી ટ્રકમાં ભરેલ માલસામાનને નક્કી કરેલ જગ્યાએ પહોંચાડવા રવાના કર્યો હતો.

નક્કી કરેલ જગ્યાએ ડીલીવરી કરતાં માલુમ પડ્યું હતું કે આ ટ્રકમાં ડ્રમની અંદર ભરેલ બે બેરલ (આશરે 418 લીટર) મેડીસીયન રોમટરીયલ લિક્વિડની કિંમત રૂપિયા 3 લાખ 4 હજાર 735ના માલ નહોતો. આથી આ અંગે ટ્રાન્સપોર્ટના માલિક લહેરી ભાનુશાલીએ ઉપરોક્ત પોતાના ટ્રાન્સપોર્ટના બે ડ્રાઇવરો કરણ સોલંકી અને રાકેશ વસાવા વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 381, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...