બિસ્માર રસ્તાઓની મરામત:ખેડા જિલ્લામાં ચોમાસામાં ધોવાયેલા મુખ્ય રસ્તાઓ સહિત સ્ટેટ હાઇવેની મરામત આરંભાઈ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની દેખરેખ હેઠળ જિલ્લાના રસ્તાની મરામત કામગીરી શરુ

ખેડા જિલ્લામાં નજીવા વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી દીધી છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત તમામ તાલુકાના અને આ તાલુકાના ગામોને જોડતા મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂક્યા છે. અસંખ્ય ખાડાઓને કારણે રોડ અકસ્માતો પણ વધી રહ્યા છે. રોડ રસ્તાઓ પર આવા ખાડા પડતાં તંત્રની ભ્રષ્ટાચારની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે આવા તૂટેલા બિસ્માર રસ્તાઓની મરામતની કામગીરી જીલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરાઇ છે.

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં નવરચિત મંત્રીમંડળના પદભાર સંભાળતા રાજ્યના માર્ગ અને મકાનમંત્રી પુર્ણેશ મોદીએ રાજ્યના રસ્તાઓના રીપેરીંગ અર્થે સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય-પંચાયતના માર્ગ મકાન વિભાગ પાસે ખેડા જિલ્લાના મરામત કરવા પાત્ર રસ્તાઓની વિગત ભેગી કરવામાં આવી હતી. આ ખરાબ રસ્તાઓને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કાર્યપાલક ઈજનેર સાલ્વેના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લામાં આવા રસ્તામાં મરામતની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, ખેડા જીલ્લાના નડિયાદ ડીવીઝનના તમામ એમ ડી આર ડી થી લઈને સ્ટેટ હાઇવે (મુખ્ય જીલ્લા માર્ગ) રાજ્ય માર્ગનું રીપેરીંગ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી તમામ તાલુકામાં હાથ ધરવામાં આવી છે. આ કામ ખુબ જ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે થીંગડા મારેલા આ રસ્તાઓ આગામી કેટલા દિવસ સુધી સારા રહેશે તે તો આવનાર સમય જ કહેશે. કોન્ટ્રાકટરો દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા રો મટીરીયલનો ઉપયોગ કરી અને રોડ, રસ્તાઓ પર પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી હોત તો આ દિવસો પણ ન આવત તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...