ઉત્તરાયણ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પતંગોનું આકાશી યુદ્ધ જામ્યું, પવન માપસર રહેતા પતંગ રસીયાઓ ખુશ

નડિયાદ10 દિવસ પહેલા
  • લોકોએ ઘરના ટેરેસને જ કિચન બનાવી ઊંધિયા, જલેબી, ચિકી, તલસાંકળીની જ્યાફત માણી
  • નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરી

સમગ્ર ખેડા જિલ્લામાં ઢીલ દે... દે... દે... રે... ભૈયા... ઉસ પતંગ કો ઢીલ દે...ના તાલ સાથે કાપ્યો છે.....લપ્પેટ જેવી ચીચીયારીઓથી આકાશ ગૂંજી ઊઠ્યું હતું. ખેડા જિલ્લામાં આજે ગુરૂવારે સવારથી જ પતંગ રસિયાઓ અગાસી પર ચડીને પતંગો ઉડાડી ભરપૂર આનંદ માણી રહ્યા છે. તો બીજી બાજુ ગૃહિણીઓએ પણ રસોડામાં હડતાળ કરી અગાસી પર ચડી ઊંધિયાની મિજબાની માણી હતી. ખેડા જિલ્લામાં આજે પતંગ પર્વ ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવાઈ રહ્યો છે.

નડિયાદ સહિત જિલ્લાની પ્રજા ઉત્સવપ્રિય પ્રજા છે. તેઓ સામાન્ય ઉત્સવને પણ આનંદથી ઊજવી લેતા હોય છે. એમાં વળી ઉત્તરાયણનું પર્વ જિલ્લાવાસીઓ માટે આનંદનું પર્વ બની જાય છે. છેલ્લા ઘણા દિવસથી માંઝા અને પતંગની ખરીદી પાછળ રૂપિયા અને સમય ખર્ચીને ઘણા લોકો આજના દિવસની રાહ જોતા હતા. આજે પતંગ પર્વ હોવાથી સવારથી જ પતંગ રસિકો અગાસી પર ચડી ગયા હતા. નોંધનીય છે કે માપસરનો પવન રહેતા પતંગ રસિકોએ પતંગ ઉડાડવાની મઝા માણી હતી.

ખેડા જિલ્લાની પ્રજાએ પતંગ પર્વની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરી હતી. પતંગ ચગાવવાની સાથે લોકોએ અગાસી પર ચડીને ડીજેના તાલે ડાંસ, ગરબા પણ કર્યા છે. આ ઉપરાંત ઊંધિયા, જલેબીની મજા પણ માણી છે. ગૃહિણીઓ પણ આજે રસોડા હડતાલ કરીને અગાસી પર ચડી ગઈ હતી. એક તરફ કોરોના છે છતાં પણ આજે જિલ્લાવાસીઓ કોરોના ભૂલીને પર્વનો આનંદ લૂંટી રહ્યા છે. આ પર્વ ધર્મ સાથે પણ સંકળાયેલો હોવાથી આ દિવસે દાન-પુણ્ય કરવાનું તેમજ ગાયોને ઘાસ, ઘુઘરી ખવડાવાનું પણ મહત્વ રહેલું છે.

પતંગની મજા પક્ષીઓ માટે સજા બની ગઈ

પતંગ પર્વ આનંદનું પર્વ છે. પ્રજા આ પર્વના આનંદ લૂંટવા માટે ભાન ભૂલી જાય છે. આજે ખેડા જિલ્લામાં સંખ્યાબંધ પક્ષીઓ ધારદાર માંઝાની અડફેટે આવી જતા ધાયલ બન્યા હતા. તો ઘણા મોતને પણ ભેટ્યા હતા. આજે પક્ષીઓને બચાવવા માટે પક્ષી પ્રેમીઓ ઘાયલ પક્ષીઓની સારવાર કરતા પણ જોવા મળ્યા હતા.

ખેડા જિલ્લાની પ્રજા સામાન્ય પર્વને પણ અનોખી રીતે ઉજવી લેતી હોય છે. આજે પતંગ પર્વને કારણે પતંગ અને દોરી સાથે મજા માણવાના આ પર્વ પર જિલ્લાની પ્રજા રાત્રે હોટલોમાં જમવાનું પ્લાનીંગ તો ટેરેસ પર જમવાની સાથે સાથે ડાન્સ અને ગરબાનો પ્લાનીંગ પણ ગોઠવી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકો મોડી સાંજે શાનદાર આતશબાજી પણ કરશે.

નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરી છે. તેમણે તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણનું પર્વ મનાવ્યું છે. પતંગ ઉડાડી સૌ લોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરે તેવી તેમણે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...