તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવુ શાસન?:લ્યો બોલો, નડિયાદ નગરપાલિકામાં ઉઘડતા દિવસે જ કચેરીનું કામકાજ બંધ રહેતા અરજદારોને ધરમનો ધક્કો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી ખાતે હવન હોવાને કારણે નગરપાલિકામાં કામકાજ બંધ, ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ હોવાનું નોટીસ બોર્ડ મુકાયું
  • અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો

નડિયાદ નગરપાલિકા આજે સોમવારે ઉઘડતા દિવસે જ બંધ રહી હતી, કારણ જાણી તમે પણ ચોક્કસ હબતાઈ જશો કે આ તે કેવુ સરકારી રાજ છે? કચેરીના મોટાભાગના કર્મીઓ અંબાજી ખાતે હવન હોવાને કારણે દર્શન કરવા ગયા હોવાનું નગરપાલિકાએ બહાર બોર્ડ લગાવતાં હજારો અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડ્યો છે. આસ્થા હોવી જરૂરી છે પરંતું સાથે સાથે કામ પ્રત્યેની વફાદારી પણ એટલી જ જરૂરી છે. આજે એકાએક અગાઉ કોઈ પણ જાહેરાત કર્યા વગર કચેરીનું કામકાજ બંધ કરી દેવાતાં અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અંબાજી મૂકામે અન્નકૂટ હોવાથી નગરપાલિકાનું કામકાજ બંધ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલી નગરપાલિકા કચેરી આજે ઉઘડતા દિવસે એટલે કે સોમવારે જ બંધ રહી હતી. કચેરીના કર્મચારીઓ અંબાજી ખાતેના અમાસના હવનમાં ગયાનું કારણ દર્શાવતું બોર્ડ મુકાયું છે. જે જોઇ અરજદારો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. પાલીકામાં પેસતા જ આ બોર્ડ મુકાયું છે. જેમાં જણાવાયું છે કે, તારીખ 6-09-2021 સોમવારના રોજ અંબાજી મૂકામે અન્નકૂટ હોવાથી નગરપાલિકાનું કામકાજ બંધ રહેશે. તથા આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જેની નોંધ લેવી, લી. પ્રમુખ કર્મચારી હિતરક્ષક મંડળ આવુ નોટીસ બોર્ડ પર દર્શાવવામાં આવ્યું છે. ધાર્મિક આસ્થા હોવી જરૂરી છે પરંતુ ફરજ નિષ્ઠાને નીભાવવી એટલી જ જરૂરી બને છે.

વર્તમાન પત્રો કે અન્ય રીતે જાહેરાત કરવી જોઈએ
સોમવારે ઉઘડતા દિવસે જ અરજદારો કામ અર્થે પાલીકામાં આવ્યાં હતા. જોકે, ત્યા આવતાં જ તેઓને જાણ થાય છે કે આજે કામકાજ બંધ છે. જેથી હજારો અરજદારોને આજે કચેરીનો ધરમનો ધક્કો ખાવો પડ્યો છે. સાથે સાથે સમય અને નાણાંનો પણ વ્યય થયો છે. અરજદારોનું કહેવું છે કે એકી સાથે બહોળા કર્મચારીઓ આ રીતે પ્રજાના હિતનું કામ છોડી ન જવું જોઈએ અથવા તો તે પહેલા વર્તમાન પત્રો કે અન્ય રીતે જાહેરાત કરવી જોઈએ. જેથી અરજદારોને અહીંયા સુધીનો ધક્કો ન ખાવો પડે. અરજદારો કામ વગર વીલા મોઢે પરત ફરતા તંત્ર પર રોષ ઠાલવ્યો છે.

આ સંદર્ભે નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિ ચંદ્રકાન્ત વાઘેલા જણાવે છે કે, નડિયાદમાં હવન હોવાથી છેલ્લા ઘણાં વર્ષોથી આપડે કર્મચારીઓને રજા આપતાં હોઈએ છીએ. કામકાજ બંધ રાખવામાં આવે છે. સાથે સાથે કોઈ વર્તમાન પત્ર કે અન્ય રીતે જાહેરાત નથી કરતાં, પરંતુ ત્રણ દિવસ અગાઉ પાલીકા કચેરીમાં આ સંદર્ભેનું નોટીસ બોર્ડ મૂકવામાં આવે છે. જેથી કચેરીએ આવતાં જતાં લોકોને આ વાત ધ્યાને રહે છે.આ અંગે નડિયાદ નગરપાલિકા સી. ઓ પ્રણવ પારેખે જણાવ્યું છે કે સ્થાનિક રજાની સત્તા હોવાથી આ સંદર્ભે આ રજા અપાઈ છે. જે વર્ષોથી આ દિવસે પરંપરાગત રજા અપાતી હોય છે. માટે આ દિવસે રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...