શરણાગતિ:મહુધાના હેરંજ ગામે સાસુની હત્યામાં જમાઇ જેલમાં ધકેલાયો, કોતરોમાં સંતાતો ફરતો શખસ પોલીસ શરણે થયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધાના હેરંજ ગામના અંજનાબેનના લગ્ન ઠાસરાના સુઇ ગામે રહેતાં રાકેશ મનહરભાઇ વસાવા સાથે થયા હતા. દાંપત્યજીવનમાં અંજનાબેન બે પુત્રીની માતા બની હતી. જો કે, પતિ રાકેશભાઇ વસાવા અને અંજનાબેન વચ્ચે નાનીનાની બાબતે ઝઘડો થતો હતો. જેનાથી કંટાળી જઇ અંજનાબેન બે પુત્રી સાથે પિયર હેરંજ ગામે રહેવા જતી રહી હતી. જ્યાં તેનો પતિ રાકેશ મનહરભાઇ વસાવા પણ સાસરીયે રહેવા આવી ગયો હતો. પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે જમાઇ રાકેશ વસાવાએ કોદળી વડે હુમલો કરી પત્ની અંજનાબેન અને સાસુ મંજુલાબેન જીવલેણ ઇજા પહોંચાડી હતી. લોહી નીંગળતી હાલતે માતા-પુત્રીને અલીન્દ્રા, નડિયાદ બાદ અમદાવાદ દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજ્યું હતુ. રાકેશ વસાવા નાસી છૂટ્યો હતો. દરમિયાનમાં શનિવારે પોલીસ મથકે જાતેથી હાજર થઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં અદાલતે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પોલીસે તેને નડિયાદ સ્થિત બિલોદરા જિલ્લા જેલહવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...