ખેડા જિલ્લામાં દારૂના બુટલેગરો બેખોફ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આંતરરાજ્ય અને બહારના જિલ્લાઓમાંથી દારૂના જથ્થાને ખેડા જિલ્લામાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. જિલ્લા પોલીસ માત્ર હાથ ઉપર હાથ રાખી ઘણ્યાં ગાંઠ્યા કેસો કરી રહી છે. આ વચ્ચે પણ પોલીસની પારદર્શી કામગીરી નહી હોવાની ફરિયાદ ઉઠી છે. જ્યારે મોટાપાયે દારૂની હેરાફેરીમાં વાહનો અને મુદ્દામાલ કબ્જે કરાય છે, પરંતુ વાહન માલિકો કે બુટલેગરોનો કોઈ અત્તોપત્તો નહી રહેતા પોલીસને હવામાં હવાતીયા મારવા પડે છે. જોકે આ સંજોગો છે કે કોઈ પ્લાનીંગ તેવી વાતો ચર્ચાના એરણે પહોંચી છે. જિલ્લામાં ગતરાત્રે મહેમદાવાદ અને માતર પંથકમાં બનેલ બે જુદા જુદા બનાવોમાં કંઈક આવુંજ બન્યું છે. આ બન્ને બનાવોમાં પોલીસે કુલ રૂપિયા 17 લાખ 35 હજાર 600નો ઈંગ્લિશ દારૂનો જથ્થો તો ઝડપ્યો પણ વાહન માલિક કે બુટલેગરનો કોઈ અત્તોપત્તો નથી.
મહેમદાવાદ પંથકમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરાત્રે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન સૂંઢા વણસોલ ગામની સીમમાં વડોદરા તરફ જતાં આઈસર (નં. GJ-15-YY-7812)હાઈવેના ડીવાઈડરમાં ચઢી ગયેલી જોવા મળી હતી. આ આઈસર ટ્રકના આગળના ભાગે થોડુ નુકશાન પણ થયેલું જોવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતાં આસપાસ ન કોઈ ચાલક કે વાહન માલિક નહોતો.
પોલીસે હાઈવે પેટ્રોલીંગના માણસોને બોલાવી ક્રેન મારફતે આ આઈસર ટ્રકને ડિવાઇડર પરથી ઉતારી રોડની સાઈડમાં ખસેડી હતી. પોલીસે આઈસર ટ્રકની પાછળ કેરેટ ઊંચા કરી જોતાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે આ વાહનને મહેમદાવાદ પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં ખાલી કેરેટ ઉતારી પાછળ છુપાયેલો ઇંગ્લીશ દારૂની જુદા જુદા માર્કાની બોટલો 3,324 તથા છુટી બોટલો મળી કુલ રૂપિયા 16 લાખ 41 હજાર 600નો દારૂ સાથે કેરેટ અને આઈસર ટ્રક મળી કુલ રૂપિયા 24 લાખ 44 હજાર 725નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આ વાહનના માલિક અને આ દારૂનો જથ્થો ક્યા પહોંચાડવાનો હતો અને કયા કારણોસર અકસ્માત થયો જેવા સવાલો પર હજી રહસ્ય અકબંધ રહ્યું છે.
અન્ય એક બનાવ માતર પંથકમાં બન્યો છે. માતર પોલીસે ગતરાત્રે ત્રાજ-લીંબાસી રોડ પરથી પીછો કરેલ ઈકો કારમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ રોડ પરથી પસાર થતી ઈકો કાર (નં. GJ-7-DD-1792)ને અટકાવવા પોલીસે પ્રયત્નો કરતાં આ કાર ફુલ સ્પીડે ભાગી ગઈ હતી. જોકે, પોલીસે આ કારનો પીછો કરી થોડે આગળથી આ કારને ઝડપી લીધી છે, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા કાર ચાલક ફરાર થવામાં સફળ થઈ ગયો હતો.
પોલીસે કારનો કબ્જો મેળવી તલાસી લેતાં તેમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં કુલ રૂપિયા 94 હજારનો દારૂ મળી આવ્યો હતો. આમ વિદેશી દારૂનો જથ્થો સહિત કાર મળી પોલીસે કુલ રૂપિયા 5 લાખ 69 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત બન્ને બનાવોમાં પોલીસને વાહન માલિક કે દારૂના જથ્થા કોનો હતો તે બાબતે કોઈ માહિતી હાથે નહી લાગી. આ અંગે બન્ને બનાવો સંદર્ભે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.