તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Driver Slowed Down His Bike On A Bump Near Vanthavali In Mahemdavad And Hit The Bike In A Luxury Bus Coming From Behind.

હિટ એન્ડ રન:નડિયાદના વાંઠવાળી પાસે અજાણ્યા બસ ચાલકે બાઈકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવકોના મોત, બસ ચાલક ફરાર

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવકો ખેડા ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા હતા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી પાસે ગતરાત્રિએ બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે તો અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. રાત્રિના સમયે અજાણી બસના ચાલકે ત્રિપલ સવારીમાં બાઈક પર જઈ રહેલા યુવકોને અડફેટે લઈ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના મહમંદરઝાક મલેક (ઉ. વ. 19), રાકીબ મલેક (ઉ. વ. 20) અને નિલેશ તળપદા ગતમોડી રાત્રે એકજ મોટરસાયકલ પર મહેમદાવાદના વાંઠવાળી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ ગામની પ્રાથમિક શાળા નજીક બમ્પ આવતા ઉપરોક્ત મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન ધીમું પાડ્યું હતું. જે સમયે પાછળથી પુરપાટે આવતી અજાણી લકઝરી બસે આ મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક ચાલક સહિત ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જે પૈકી મહમંદ રઝાક મલેક અને રાકીબ મલેકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે નિલેશને સારવાર અર્થે ખસેડાયો છે.

અકસ્માત બાદ ઉપરોક્ત વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કેસરા ગામના શોકતઅલી મલેકને થતાં તેઓએ આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઉપરોક્ત ત્રણેય આશાસ્પદ યુવાનો મિત્રો હતા અને ખેડા ડેપોમાં તમામ એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતા હતા. મોડી રાત્રે ત્રણેય એકજ મોટરસાયકલ પર પોતાના ગામે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો છે. આજે બપોરે આ બન્ને યુવકોની અંતિમવિધીમાં ગ્રામજનો જોડાયા હતા. એકી સાથે બે આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર કેસરા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...